Explore Themes

Tapotsav at Ghatkopar |Laghu Sinhnishkreedit Tapp| 154 fasts in 187 days

images
Language : Gujarati

તપોત્સવ નિમિત્તે તપ અને ત્યાગના નાદથી ગુંજી ઉઠ્યું મુંબઈ ઘાટકોપર.

 

ઉગ્રાતિઉગ્ર ઘોર તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય લઘુસિંહનિષ્ક્રીડિત તપ આરાધક તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબના થયા પારણા.

 

શ્રી બૃહદ ગુજરાતી સમાજ દ્વારા પરમ ગુરુદેવને “ગુજરાત ગૌરવ” એવોર્ડથી નવાજવામાં આવ્યા.

 

સામાન્ય જીવન જીવી જનારાની નોંધ નથી લેવાતી, વિશિષ્ટ તપ કરનારા ઇતિહાસ સર્જી જતાં હોય.

 

જેણે વિનયનું મંગલાચરણ કર્યુ, એનું દરેક કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું.

 

જેના પ્રારંભમાં વિનય હોય એની પૂર્ણાહુતિ પણ નિર્વિઘ્ને હોય.

 

મૃદુ નયન તે ઉત્કૃષ્ટ વિનયની ઓળખ છે.

 

ઝૂકેલા નયનનો વિનય સંતોના હૃદયને પણ સ્પર્શી જતો હોય છે.

 

– રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

 

હજારો-હજારો ભાવિકોની સાથે દિવ્યલોકના દેવોને પણ નતમસ્તક કરી દેનારી 187 દિવસોમાં 154 ઉપવાસની સુદીર્ઘ તપસ્યા સ્વરૂપ લઘુસિંહનિષ્ક્રીડિત તપની અનુપમ આરાધના કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની તપશ્ચર્યા ગુરુકૃપાએ નિર્વિઘ્ન પરિપૂર્ણ થતાં ઘાટકોપરનાં આંગણે યોજાયેલ એમનો પારણા મહોત્સવ- “તપોત્સવ” તપધર્મની પ્રેરણા પ્રસરાવીને જિનશાસનને અનેરું ગૌરવ બક્ષી ગયો.

તપકેસરી મુનિરાજની તપશ્ચર્યાની નિર્વિઘ્ને પૂર્ણાહુતિના વધામણાં લેતી ભવ્ય શોભાયાત્રા ગુરુભક્ત શ્રી ઉર્વિશભાઈ વોરાના આંગણેથી તપધર્મ અને તપસ્વી આત્માની યશોગાથા ગુંજવતી પરમ પટાંગણના વિશાળ શામિયાણામાં વિરામ પામી ત્યારે લુક એન્ લર્નના બાળકો દ્વારા છ કાય જીવોને અભયદાન આપવાની પ્રેરણા આપતી સુંદર પ્રસ્તુતિ કરી હતી.

70થી વધુ પૂજનીય સંત-સંતીજીઓની મંગલમય ઉપસ્થિતિ સાથે પ્રત્યક્ષ ઉપસ્થિત હજારો ભાવિકોની અને લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકોએ આ અવસરે જોડાઈને તપસ્વી મુનિ પ્રત્યે ધન્ય-ધન્યતાનો નાદ ગૂંજવી દીધો હતો.

તળેટીથી શિખર સુધી પહોંચવાની સફળતા પ્રાપ્તિ માટેનાં અમૂલ્ય બોધ વચન ફરમાવતાં આ અવસરે પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે કોઈ પણ કાર્યના પ્રારંભ અને પૂર્ણાહુતિ વચ્ચેની નિર્વિઘ્નતાનું જો કોઈ મુખ્ય તત્વ હોય તો તે હોય છે વિનયભાવ. પરમાત્મા કહે છે, જેમણે વિનયનું મંગલાચરણ કર્યુ એમના દરેક કાર્ય અવશ્યમેવ નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. જેનાં પ્રારંભમાં વિનય હોય એની પૂર્ણાહુતિ પણ નિર્વિઘ્નતાને પામતી હોય છે. જ્યાં આંતરિક વિનય હોય છે ત્યાં કોઈ વિઘ્નો આવી શકતાં નથી. વિનય હોય ત્યાં નિર્વિઘ્નતા સર્જાતી હોય છે. એવા ઉત્કૃષ્ટ વિનયની ઓળખ ઝૂકેલા નયન આપી દેતાં હોય છે જેના નયનમાં મૃદુતા તેનો વિનય ઉત્કૃષ્ટ કક્ષાનો હોય.

સિધ્ધિનો મર્મ સમજાવી દેનારી પરમ ગુરુદેવની આવી મધુર વાણી સાથે જ આ અવસરે પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબે તેમજ શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષના પૂજ્ય શ્રી કોકિલાબાઈ મહસતીજીએ પૂજ્ય તપકેસરી મુનિરાજની આરાધનાની હૃદયસ્પર્શી પ્રશસ્તિ કરીને શુભેચ્છા અને આશીર્વાદની અર્પણતા કરી હતી. તપકેસરી પૂજય શ્રી પવિત્રમુનિ મહારાજ સાહેબે તપ-સાધના દરમિયાન થયેલી અનુભૂતિની સુંદર અભિવ્યક્તિ કરીને સ્વંયને પ્રાપ્ત સાધનાની સિધ્ધિનું શ્રેય ઉપકારી ગુરુવર્યને અપર્ણ કરતાં સહુના હૃદય એમના પ્રત્યે અહોભાવથી વંદિત બન્યાં હતાં.

આ અવસરે સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના સંયમ શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિના ઉપલક્ષે અનન્ય ગુરુભક્ત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ બરવાળીયા દ્વારા સર્જિત ‘પ્રાણ શિષ્ય શ્રુત સંપદા’ આ ગ્રંથનું વિમોચન શ્રી ગુણવંતભાઈ બરવાળીયા, શ્રી બૃહદ મુંબઈ મહાસંઘ પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ, શ્રી બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ પ્રમુખ શ્રી હેમરાજભાઈ શાહ તેમજ શ્રી હિંગવાલા સંઘના શ્રી બીપીનભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવતા હર્ષ છવાયો હતો.

વિશેષમાં, તપકેસરી મુનિરાજને શાલ અર્પણ કરવાનો અનન્ય લાભ આ અવસરે અઠ્ઠાઈ તપની આરાધના કરનારા કોલકત્તાના બાળક મોહિતભાઈ, 87 કલાક સુધી નિરંતર પાણીનો ત્યાગ કરનારા બરોડાના શ્રી હેમલતાબેન તેમજ બહોળું અનુદાન અર્પણ કરનારા અનેક-અનેક ઉદાર હૃદયા ભાવિકો દ્વારા લેવામાં આવતા જય-જયકાર વર્તાયો હતો.

ઉપસ્થિત સહુના હૃદયમાંથી અહોભાવના ઉદગાર સરી પડયાં હતાં જ્યારે શ્રી બૃહદ ગુજરાતી સમાજ દ્વારા પરમ ગુરુદેવના સંઘ, સમાજ, સંપ્રદાય પ્રત્યેના અનન્ય યોગદાનનું સન્માન કરતાં, તેઓને “ગુજરાત ગૌરવ” એવોર્ડ અર્પણ કરીને નવાજિશ કરવામાં આવી હતી.

આ અવસરમાં પધારેલા શ્રી મુલુંડ વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘની આગ્રહભરી વિનંતીને લક્ષમાં રાખીને વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા- 5 નું ચાતુર્માસ મુલુંડના આંગણે ઉદઘોષિત કરવામાં આવ્યું હતું.

ધન્ય દ્રશ્યોનું સર્જન થયું હતું જ્યારે ઘાટકોપરના સમસ્ત સાત સંઘો તેમજ મુલુંડ સંઘના પ્રતિનિધિઓના હસ્તે તપકેસરી મુનિરાજનું અહોભાવભીનું બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અને એ ધન્યાતિધન્ય સાધના સિદ્ધિની ક્ષણ આવી પહોંચી હતી જ્યારે પૂજનીય સંતોના હસ્તે તપકેસરી મુનિરાજને પારણા કરાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 25 દિવસ પહેલા પરમધામમાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીને 25માં ઉપવાસના પ્રત્યાખ્યાન કરાવવામાં આવતા સર્વત્ર અનુમોદનાના ગૂંજી ઉઠેલા સૂર સાથે દિવસોથી ચાલી રહેલો ભવ્યાતિભવ્ય તપોત્સવ વિરામ પામ્યો હતો.

આ અવસરે ઉપસ્થિત સમસ્ત ઘટકોપરના સાત સંઘો અને દરેક ભાવિકો માટે સ્વામી વાત્સલ્યનો લાભ શ્રી અશોકભાઈ ઠોસાણીની પ્રથમ પુણ્યસ્મૃતિ નિમિત્તે શ્રી ભાવિકભાઈ ઠોસાણી દ્વારા લેવામાં આવ્યો હતો.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208