Laghu Sinhnishkreedit Tapp | TappKesari Param Pavitra Muni Maharaj Saheb | Ahoyatra Sobhayatra

Language : Gujarati
તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની મહાતપ સાધનાનો તપોત્સવ પ્રારંભ
શોભાયાત્રાથી એક સપ્તાહ સુધી ગુંજી રહેશે બોરીવલી-કાંદિવલીના અણુ-અણુ
187 દિવસમાં 154 દિવસના ઉપવાસની લઘુસિંહનિષ્ક્રીડિત તપની મહાઆરાધના કરી રહેલા તપસ્વી મુનિરાજની અનુમોદના કરવા દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને કૃતકૃત્ય બની રહ્યા.
સમયે-સમયે જિનશાસનને ભવ્ય, દિવ્ય અને અદભૂત ઇતિહાસની અમૂલ્ય ભેટ અર્પણ કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની ઘોર તપશ્ચર્યા લઘુસિંહનિષ્ક્રીડિત તપની પૂર્ણાંહુતિ સ્વરૂપ આયોજિત કરવામાં આવેલાં તપોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો અને તપ અનુમોદના યાત્રાઓનું વિશેષ આયોજન બોરીવલી-કાંદિવલીના આંગણે પ્રારંભ થઈ ગયો છે.
પૂજય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબ જ્યારે 187 દિવસની આ આરાધનામાં 154 ઉપવાસ સાથે નિર્વિઘ્ને આ સાધનાની પૂર્ણાહુતિ કરી રહ્યાં છે ત્યારે તેમના પારણાં અવસર નિમિતે પાવનધામ – કાંદિવલી ના આંગણે આયોજિત તપોત્સવ અંતર્ગત આવતીકાલ તા.6/3/2022, રવિવારે, સવારે 08:30 કલાકે પાવનધામના આંગણે ટોક શો -“તપસ્યા યા સમસ્યા” કાર્યક્રમમાં જિજ્ઞાસુ યુવાનો અને તપસ્વી મુનિરાજ વચ્ચે રસપ્રદ પ્રશ્નોતરી યોજાશે.
વિશેષમાં આવતીકાલે સાંજે તપસ્વી મુનિરાજના તપની અનુમોદના સ્વરૂપ “તપ અનુમોદના યાત્રા”નું વિશિષ્ટ આયોજન સાંજે 5:30 કલાકે પાવનધામના શ્રી પ્રદીપભાઈ મહેતાના નિવાસસ્થાન ગોવર્ધન નગરથી કરવામાં આવ્યું છે. આ યાત્રાના અનુસંધાને બીજી તપ અનુમોદના યાત્રા તા.09/03/2022, બુધવાર ધર્મવત્સલ શ્રી કેતનભાઈ પટેલના નિવાસસ્થાનથી પ્રારંભ કરવામાં આવશે અને તા.11/03/22, શુક્રવાર માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી-બાદશાહ પરિવાર- શ્રી દિનેશભાઇ મોદીના નિવાસસ્થાનથી તપ અનુમોદના યાત્રા યોજાશે. જિનશાસન તપ ધર્મ અને તપસ્વી મુનિરાજના જયઘોષ સાથે ગાજતી ગૂંજતી આ અનુમોદના યાત્રાઓ બોરીવલી- કાંદિવલીના રાજમાર્ગોની સ્પર્શના કરતી પાવનધામના આંગણે વિરામ પામશે.
ઉલ્લેખનીય છે કે તપોત્સવ અંતર્ગત 13th માર્ચ, રવિવાર સવારે 08:30 કલાકે તપોત્સવ-પારણા અવસર ડુંગર દરબાર, કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબની સામે, મહાવીર નગર, કાંદિવલી (વે.) ખાતે યોજાયો છે ત્યારે તપસ્વી આત્માની અનુમોદના કરવા ઇચ્છુક ભાવિકો માટે સમગ્ર મુંબઈના શ્રી સંઘોમાંથી પારણા અવસરમાં પધારવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
જૈન શાસ્ત્રોમાં પ્રભુ મહાવીરના સમયના ત્રીસ-ત્રીસ ઉપવાસના પારણે ઉપવાસ કરનારા મહાતપસ્વી સંતો ઘરે ઘરે જઈને ગોચરીચર્યા કરવાનું વર્ણન આલેખિત કરવામાં આવ્યું છે એમ પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબ પારણા માટે અનેક ઘરોમાં જઇને નિર્દોષ ગૌચરીચર્યા કરી એક ધન્ય ઇતિહાસનું સર્જન કરી રહ્યા છે ત્યારે તેમના સંયમ અને તેમની મહાન તપ આરાધનાની અનુમોદના કરીને ધન્ય બનવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ તપોત્સવમાં જોડાઈ જવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
એ સાથે જ 14 દિવસ પહેલા પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગિકાર કરનારા 9 આત્માઓમાંથી નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીએ દીક્ષાગ્રહણ પછી પાત્રામાં એક પણ વાર આહાર ન કરીને આજ રોજ 14 ઉપવાસની આરાધના સાથે આગળ વધતાં સંયમ જીવનનો મંગલમય પ્રારંભ કરી રહ્યા છે ત્યારે આવો આપણે સહુ જોડાઈ જઈએ મહાતપ અને મહાતપસ્વીની અનુમોદના કરી સ્વયં ધન્ય બનીએ અને સર્વને ધન્ય બનાવીએ.

Subscribe to Whatsapp Broad cast