Explore Themes

Shree Bhagwati Jain Diksha Mahotsav

images
Language : Gujarati

ગોંડલ સંપ્રદાયના 200 વર્ષ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન કરતાં એકસાથે માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓએ શ્રી ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરતાં એક અદભૂત દ્રશ્ય સર્જાયું.
 
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવમાં ‘વી જૈન વન જૈન’ના અંતર્ગત 124થી વધુ શ્રી સંઘો, અમેરિકાની ‘જૈના’ સંસ્થાના 70થી વધુ સેન્ટર્સ, અનેક સંત સતીજીઓ અને દેશ-વિદેશના ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં.
 
પરમધામમાં નિર્માણ થનારી અબોલ જીવો માટેની વિશાલ પાંજરાપોળ અર્થે ઉદારહૃદયા ભાવિકોએ કરોડોના અનુદાન અર્પણ કર્યા.
 
સંયમી સંસારના પ્રોબ્લેમ્સથી ડરીને નહીં પરંતુ સંસારને જ પ્રોબ્લેમ માનીને સત્યનો માર્ગ સ્વીકારતા હોય છે.
 
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

 
દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે નવ નવ આત્માઓને પોતાના શ્રીમુખેથી દીક્ષાના દાન આપી સંસાર સાગરથી ઉગાર્યા ત્યારે સમગ્ર દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓના ભાવોને નિહાળી એક જ નાદ વારંવાર ગુંજ્યો, ધન્ય છે આપના ત્યાગ, ધન્ય છે આપના વૈરાગ્યને.
 
પરમધામ સાધના સંકુલની પ્રાકૃતિક ભૂમિની ગોદમાં ફરી એકવાર શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, ધર્મવત્સલા શ્રી માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર-શ્રી ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર-શ્રી મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ શ્રી દીનેશકુમાર ચુનીલાલ મોદી પરિવારના સહયોગે આયોજિત કરવામાં આવેલાં મુમુક્ષુ શ્રી ભવ્યભાઈ દોશી (આકોલા), મુમુક્ષુ શ્રી નિશાબેન દોશી(આકોલા), મુમુક્ષુ શ્રી પ્રિયંકાબેન પારેખ(આકોલા), મુમુક્ષુ શ્રી હિતાલીબેન દોશી(કોલકત્તા), મુમુક્ષુ શ્રી પાયલબેન પનપારિયા(મુંબઈ), મુમુક્ષુ શ્રી નિધિબેન શાહ(રાજકોટ), મુમુક્ષુ શ્રી રિયાબેન દડિયા(ઘાટકોપર), મુમુક્ષુ શ્રી જિનલબેન શેઠ(કોલકત્તા), મુમુક્ષુ શ્રી દેવાંશીબેન ભાયાણી(મુંબઈ)ના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આ અવસરે ‘વી જૈન વન જૈન’ના અંતર્ગત 124થી વધુ શ્રી સંઘો, અમેરિકાની સંસ્થા ‘જૈના’થી જોડાએલાં 70થી વધુ સેન્ટર્સ અને જૈનાના પ્રેસિડેન્ટ શ્રી હરિશભાઈ શાહ, શ્રી મહેશભાઇ વાધર આદિ ભાવિકોનો જનસમૂહ, સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત ભારતભારથી પરમધામમાં પધારેલાં 180 થી વધારે શ્રી સંઘો, વિદેશના અમેરિકા, લન્ડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, સુદાન, દુબઈ, સિંગાપોર, અબુધાબી, મલેશિયા આદિ અનેક ક્ષેત્રોનાં ભાવિકો અને સમગ્ર ભારતના મળીને 65 લાખથી વધુ ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને સંયમની ભાવભરી અનુમોદના કરી ધન્યાતિધન્ય બન્યાં હતાં.
 
અમેરિકાની જૈના સંસ્થાથી જોડાયેલા શ્રી શરદભાઈ દોશી, શ્રી કમલેશભાઇ શાહ, શ્રી અનિલભાઈ શાહ, કેન્દ્રીય પંચાયતરાજ મિનિસ્ટર શ્રી કપિલભાઈ મલેશ્વર, M.P. શ્રી ગોપાલભાઈ શેટ્ટી વિશેષ ભાવ સાથે આ મહોત્સવમાં ઉપસ્થિત હતાં.
 
વહેલી સવારે સંસારની અંતિમ યાત્રા-મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ થતાં ત્યાગી આત્માઓના જયકાર, લહેરાતાં ધર્મ ધ્વજ, અષ્ટ મંગલના શુભ પ્રતિક અને સેંકડો ભાવિકોથી શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા વાજતે ગાજતે પરમ પટાંગણમાં વિરામ પામતાં જ લાખો હૃદયના ઉછળતાં ભક્તિભાવ સાથે દીક્ષાર્થીઓના ભવ્યાતિભવ્ય સ્વાગત વધામણા કરવામાં આવ્યાં હતાં.
 
આ અવસરે લાભાર્થી પરિવારો દ્વારા દીક્ષાર્થીઓના ચરણપૂજન બાદ અંતરની ખુમારી સાથે સંયમ ભાવોનો રણટંકાર કરતાં, દીક્ષાર્થીઓની ભાવ અભિવ્યક્તિ બાદ લાભાર્થીઓને શ્રીફળ તેમજ ફ્રેમ અર્પણ કરેલ. દીક્ષાર્થીઓના લલાટે વિજય તિલક કરીને જેમ પીંજરનું બંધન ખૂલતાં જ પક્ષી જેમ વિલંબ વિના આકાશે ઉડી જતું હોય એમ અંતિમવાર માતા-પિતાના ચરણ સ્પર્શ કરીને, સંસારને અલવિદા કરીને વેશ પરિવર્તન કરવા માટે ઉત્સાહપૂર્વક દોટ મૂકતાં દૃશ્યો લાખો ભાવિકોના રોમ-રોમને સ્પંદિત કરી ગયાં હતાં. ઉપરાંતમાં, કાળા લાંબા કેશનું પ્રસન્ન વદને મૂંડન કરાવતાં દીક્ષાર્થીઓના ત્યાગભીના દૃશ્યો નિહાળીને લાખો ભાવિકોની આંખ અશ્રુભીની થઈ હતી.
 
અદભૂત દ્રશ્યો રચાયા જ્યારે ગોંડલ સંપ્રદાયનો 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ પુનરાવર્તિત કરતાં માતા મુમુક્ષુ શ્રી નિશાબેન દોશીએ પુત્રને આજ્ઞા અર્પણ કરી તથા પુત્ર મુમુક્ષુ શ્રી ભવ્યભાઈ દોશીએ માતાને આજ્ઞા અર્પણ કરતાં સંસારને અંતિમ અલવિદા કરી એકસાથે દોટ મૂકી હતી.
 
લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની પ્રતિક્ષા વચ્ચે નવ મુમુક્ષુ આત્માઓ રંગીન વસ્ત્રો ત્યજીને, મુંડિત મસ્તકે, પ્રભુનો વેશ ધારણ કરીને ગુરુ મુખેથી દીક્ષાના દાન ગ્રહણ કરવા પધારતાં જ સહુના હૃદય અભિવંદિત બની ગયાં હતાં. વેશ પરિવર્તન કરીને પધારેલાં મુમુક્ષુ આત્માઓને દીક્ષા વિધિ કરાવવામાં આવી હતી. દિવસો અને મહિનાઓથી જેની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં એવી ધન્યાતિધન્ય ક્ષણ આવી હતી જ્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે મુમુક્ષુઓના માતા-પિતા, ધર્મ માતા-પિતા, શ્રી ગોંડલ સંપ્રદાયના સમસ્ત સંઘો, શ્રી બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ તેમજ પરમધામ સાધના સંકુલના સભ્યો તેમજ સ્વયં મુમુક્ષુ આત્માઓની આજ્ઞા સ્વીકૃતિ લઈને નાભિનાદ સાથે, બ્રહ્મસ્વરે દિવ્ય મંત્ર ધ્વનીની ઉદઘોષણા કરવામાં આવી.
 
ત્યારબાદ રાજકોટના શ્રી હિતેનભાઈ મહેતા અને દુબઈના ભાવિકો દ્વારા દેવોને પણ દુર્લભ એવા દિવ્ય ઉપકરણ – રજોહરણનું પરમ પટાંગણમાં ઉત્કૃષ્ટ ઉલ્લાસ ભાવે આગમન કરાવવામાં આવ્યું. સહુના અંતરની પ્રતિક્ષાનો અંત કરતાં નૂતન દીક્ષિત પૂજ્ય સંત-સતીજીઓને પરમ ગુરુદેવના શ્રી હસ્તે રજોહરણ અર્પણ થયા બાદ લાભાર્થી પરિવારો દ્વારા નૂતન નામકરણની ઘોષણા થઈ. નૂતન દીક્ષિત સંત-સતીજીઓના નૂતન નામ પૂજ્ય શ્રી પરમ સોહમમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પરમ વીરાજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ શ્રીવત્સલજી મહાસતીજી, પૂજ્ય શ્રી શ્રીહિતજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ શુભમજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સુનિષ્ઠાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ જિનેશાજી મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજી સ્વરૂપે ઘોષિત કરવામાં આવતાં સર્વત્ર નુતન દીક્ષિતોનો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો.
 
આ અવસરે ગોંડલ સંપ્રદાયના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોઠારી, અમેરિકાની જૈના સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી હરિશભાઈ શાહ, જૈના સંસ્થાથી જોડાયેલા શ્રી શરદભાઈ દોશી, પંચાયતરાજ મિનિસ્ટર શ્રી કપિલ મલેશ્વરજી એ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરી હતી. શ્રી SPM પરિવાર સહિત કચ્છના 100થી વધુ ભાવિકો ચાતુર્માસ પધારવાની ઉત્કૃષ્ટ વિનંતિના ભાવો સાથે ઉપસ્થિત હતા ત્યારે સર્વ ભાવિકોની અશ્રુભીની વિનંતિ તેમજ શ્રી મૂલરાજભાઈ છેડાના ઉત્કૃષ્ટ ભાવ નિહાળી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 6 સંતો અને મહાસતીજી વૃંદનું આગામી 2022નું ચાતુર્માસ શ્રી કચ્છ-પુનડીમાં ઉદઘોષિત કરવામાં આવતા સર્વત્ર જયકાર ગુંજી ઉઠ્યો હતો.
 
વિશેષમાં, જિનશાસનના ઇતિહાસમાં તીર્થંકરોએ આરાધેલી, ગોંડલ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રથમવાર, અતિ ઘોર તપશ્ચર્યા સંવત્સરીના શુભ અવસરથી આરંભેલી 187 દિવસના સમયગાળામાં 154 ઉપવાસની એવી લઘુસિંહનિષ્ક્રિડીત મહાતપ સાધના કરી રહેલાં મહાતપસ્વી પૂજ્ય શ્રી પવિત્રમુનિ મહારાજ સાહેબની ઐતિહાસિક સાધનાની પૂર્ણાહુતિ અવસરે, પારણાનો મહોત્સવ આગામી 13th- 16th માર્ચ 2022 તપોત્સવ-પ્રેરણા મહોત્સવરૂપે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામ-કાંદિવલી તેમજ ઘાટકોપર – હિંગવાલા શ્રી સંઘના પ્રાંગણે ઉજવવાની ઘોષણા થતાં અહો અહો વંદનમ પોકારી ઉઠયા હતા હર એક હૃદય!
 
પરમધામમાં નિર્માણ થનારી અબોલ જીવો માટેની વિશાલ પાંજરાપોળ અને જીવદયાના કાર્યો અર્થે કરોડોના અનુદાન જાહેર થયા હતા. ઉપરાંતમાં નવ-નવ આત્માના સંસાર ત્યાગ નિમિત્તે પરમ ગુરુદેવની પ્રેરણાથી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન-રાજકોટ તરફથી મોબાઈલ એનિમલ હોસ્પિટલ વેહિકલનું આ અવસરે વિમોચન કરવામાં આવ્યું હતું. 

20th Feb Pressnote-11
20th Feb Pressnote-10
20th Feb Pressnote-9
20th Feb Pressnote-8
20th Feb Pressnote-7
20th Feb Pressnote-6
20th Feb Pressnote-4
20th Feb Pressnote-3
20th Feb Pressnote-2
20th Feb Pressnote-1

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208