Explore Themes

Mumukshu Shri Hetali Didi Viday

images
Language : Gujarati

પોતાના ગુરુણી કોરોનાને કારણે કાળધર્મ પામ્યા હોવા છતાં પણ પોતાની શ્રદ્ધાને અડગ રાખીને સંયમ સમર્પણ કરનારા એવા શ્રી હિતાલીબેનનો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં ઉજવાયો વિદાય અવસર
 
સ્વયંથી સ્વયંને મળવું તે આત્મમૈત્રી.
 
ગુરુ ચાહે સાક્ષાત હોય કે અંતરિક્ષમાં, પરંતુ સદા મારા અંતરના અંતરિક્ષમાં હોય.
 
શ્રદ્ધા જેની અતૂટ અને અખૂટ હોય તે કદી ડગે નહીં.
 
‘પણ’ આવે ત્યાં સમર્પણ ન હોય, સમર્પણમાં કદી ‘પણ’ ન હોય.
 
ગુરુ જે હૃદયમાં જીવંત હોય તે જ શિષ્ય.
 
શ્રદ્ધા જેની સબળ એને હિમાલય પણ નડતો નથી, એવો સાધક કદી રડતો નથી.
 
– રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
 
પોતાના ગુરુણી પૂજ્ય શ્રી શ્રીદત્તાબાઈ મહાસતીજી તથા પૂજ્ય શ્રી શ્વેતાબાઈ મહાસતીજી કોરોનાને કારણે કાળધર્મ પામ્યા હોવા છતાં પણ પોતાની શ્રદ્ધાને અડગ રાખીને સંયમ સમર્પણ કરનારા એવા શ્રી હિતાલીબેનનો વિદાય અવસર રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે “સંયમ નર્તનમ્ અવસર” રૂપે ઉજવાયો.

 
છેલ્લાં ચાર દિવસથી ‘વી જૈન વન જૈન’ના અંતર્ગત 108થી વધુ સંઘો, અમેરિકાની ‘જૈના’ સંસ્થાના 70થી વધુ સેન્ટર્સ, અનેક સંત-સતીજીઓ તેમજ દેશ-પરદેશના ભાવિકો 9-9 મુમુક્ષુ આત્માઓની ભૂરી ભૂરી અનુમોદના કરીને વધામણાં કરી રહ્યાં છે. શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના સંઘપતિ બનવાનો લાભ ધર્મવત્સલા શ્રી માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર-શ્રી ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર-શ્રી મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ શ્રી દીનેશકુમાર ચુનીલાલ મોદી લઈને ધન્ય બન્યા છે.
 
એવા દીક્ષા મહોત્સવના અવસરે મુમુક્ષુ શ્રી હિતાલીબેનની ગાજતી ગુંજતી શોભાયાત્રાએ ‘પરમ પટાંગણ’ના વિશાલ શામિયાણામાં મંગલ પધરામણી કરતાં આ અવસરે કલ્યાણ વાણીનો ગુંજારવ કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, સ્વયંની સ્વયંથી મળવું તે આત્મમૈત્રી હોય. અને સ્વયંથી સ્વયંને મળવાની આ આત્મયાત્રા માટે જે સ્વયંથી સ્વયંને મળી ગયાં છે એવા ગુરુ-પરમાત્માનું અવલંબન લેવું જરૂરી છે પરંતુ આરાધના સ્વયંની જ હોય છે. આરાધનાના માર્ગ પર, જેમની આંગળી પકડીને ચાલવાનું છે એવા ગુરુ ચાહે સાક્ષાત હોય કે અંતરિક્ષમાં પરંતુ શિષ્યના અંતર અંતરિક્ષમાં સદાને માટે જીવંત બની રહેતાં હોય છે. ગુરુ પ્રત્યે, આવી સમર્પણતા, સબળ શ્રદ્ધા હોય તેવા શિષ્યને હિમાલય પણ નથી નડતો અને એવો સાધક કદી રડતો નથી.
 
આ અવસરે મુમુક્ષુ શ્રી હિતાલીબેનની સંસારથી સંયમભાવ પ્રાગટ્યની ઝાંખી કરાવતી સુંદર લીરીકલ પ્રસ્તુતિ, સાથે “દરેક નવા દિવસનો સૂર્ય સાંજે વિદાય લે છે, દરેક ક્ષણ નવી ક્ષણે વિદાય લે છે, દરેક શ્વાસ આવનારી પળમાં વિદાય લે છે . અને વિદાય લઈ રહેલાં અને ભવિષ્યમાં વિદાય લેનારા આ સમયની વચ્ચે શાશ્વત રહે છે અને શાશ્વત રહેશે મારો આત્મા, આત્માને પામવા હું સંસારને વિદાય આપી રહી” આવા શૌર્યસભર વચનોનું પ્રાગટ્ય કરીને શ્રી હિતાલીબેને અંતરના વૈરાગ્યભાવના દર્શન કરાવતાં સહુ અહોભાવિત બન્યાં હતાં. અને એ સાથે જ પૂજ્ય શ્રી સુતીર્થિકાજી મહાસતીજીએ આ અવસરે સુંદર ભાવો સાથે મુમુક્ષુ આત્માના સંચમભાવની પ્રશસ્તિ કરતાં સહુ પ્રેરિત બન્યાં હતાં.
 
દિવ્યતા અને ભવ્યતા પ્રસરાવીને ઉજવાઈ રહેલાં આ દીક્ષા મહોત્સવના આયોજન માટે બહોળું અનુદાન અર્પણ કરીને અનુમોદના કરનારા અનેક સંયમપ્રેમી ભાવિકોની ઉદાર ભાવનાનું આ અવસરે દીક્ષાર્થીઓના પિતાના હસ્તે બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દક્ષિણ ગુજરાતના અમલસાડ ક્ષેત્રની પાઠશાળાના બાળકો દ્વારા કરવામાં આવેલી સુંદર નૃત્ય ગીતની પ્રસ્તુતિ નિહાળીને જયકાર વર્તાયો હતો. સંસાર જીવનનું અંતિમ રક્ષાબંધન કરીને તેમજ સંયમજીવનનો પ્રારંભ પૂર્વે સુવર્ણ દ્રવ્યના વર્ષીદાનનું પાવન કર્તવ્ય બજાવીને શ્રી હિતાલીબેને આપેલી સંસારને આખરી સલામ એક અનોખી અનુભૂતિ કરાવી ગઈ હતી.
 
સમગ્ર સંસારને ત્યાગી રહેલાં નવ આત્માઓના ત્યાગના વધામણા કરતાં સમગ્ર ભારતના અનેક ક્ષેત્રોમાં અર્હમ્ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા થઈ રહેલાં જીવદયા અને માનવતાના સત્કાર્યો વડે હજારો જીવો જ્યારે હાશકારની અનુભૂતિ કરી રહ્યાં છે ત્યારે આપણાં આત્માને પણ ધન્યતાની અનુભૂતિ કરાવવા દીક્ષા મહોત્સવના દરેકેદરેક અવસરમાં જોડાઈ જવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
 
અંતિમ પડાવ તરફ આગળ વધી રહેલાં દીક્ષા મહોત્સવ અંતર્ગત 19th ફેબ્રુઆરી 2022 શનિવારના દિવસે સવારના 9:00 કલાકે સંયમ પૂજનમ્ અવસરના આયોજન સાથે 20th ફેબ્રુઆરી 2022 રવિવાર સવારના 8:30 કલાકથી નવ આત્માઓને સંસાર સાગરથી ઉગારનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનું કલ્યાણકારી આયોજન કરવામાં આવ્યું છે. દીક્ષા મહોત્સવના કાર્યક્રમનું અરિહંત, અર્હમ, સોહમ અને આદિનાથ ચેનલ સાથે યૂટ્યૂબ, ફેસબુક અને ઝૂમ લાઈવ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે  
 

17th feb pressnote-7
17th feb pressnote-6
17th feb pressnote-5
17th feb pressnote-3
17th feb pressnote-2
17th feb pressnote-1

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208