Explore Themes

Samachari – The Acrhitecture which Beautifies Saiyam Life

images
Language : Gujarati

એક આત્મા જ્યારે આત્મશુધ્ધિ અને આત્મકલ્યાણના લક્ષ સાથે સંસારનો ત્યાગ કરી, સંયમનો સ્વીકાર કરે છે, દીક્ષા ગ્રહણ કરી સાધુ બને છે ત્યારે તેમણે એમના સંયમ જીવનને પુષ્ટ કરતાં આચાર અને સાધુ સમુદાય સાથેના વ્યવહારને જાણવા પણ અત્યંત આવશ્યક હોય છે.

 

સંયમ જીવનના આચાર અર્થાત્‌ પાંચ મહાવ્રતોના પાલન સાથે સાધુની નિત્ય ચર્યા અને સમુદાય સાથેના વ્યવહારને વ્યવસ્થિત રાખવા માટે, નીતિને સાચવીને જે નિયમાવલીની રચના કરવામાં આવે છે તેને જૈનદર્શનમાં સમાચારી કહે છે.

 

સમાચારી એટલે સમ્યક્‌ વ્યવસ્થા

 

વ્યવસ્થિત બનવા માટે વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. કોઇપણ ગણ, કોઇપણ સમુદાય કે કોઇપણ વ્યક્તિ વ્યવસ્થિત ત્યારે જ બને છે, જ્યારે તે વ્યવસ્થાને જાણે છે, વ્યવસ્થાને સમજે છે અને વ્યવસ્થા પ્રમાણે આચરણ કરે છે. જ્યાં વ્યવસ્થા હોય છે ત્યાં સંપ, શાંતિ અને એકતા હોય છે. સમાચારી શબ્દનું અનેક પ્રકારે વિશ્લેષણ કરી શકાય છે, એ દૃષ્ટિએ સમાચારી એટલે..

 

  • જેના આચરણથી સાધુ સંસાર-સાગર તરી શકે.
  • સમ્ય્‌ક પ્રકારનું આચરણ!
  • સ્વયંની દિનચર્યાનું નિષ્ઠાપૂર્વક પાલન!
  • સ્વ નો આચાર
  • સમય અનુસારનું આચરણ
  • જે સમુદાયમાં સમ- આચાર પ્રગટાવે!
  • સાંપ્રદાયિક ગણની વ્યવસ્થા અને એ વ્યવસ્થા અનુરૂપની સર્વની જીવન શૈલી.
  • જેનાથી આચાર અને વિચારમાં સમાનતા અને સમાધિ પ્રગટે.

 

 સમાચારીની રચના કોણ કરે??

 

એક હોય છે સિધ્ધાંત અને એક હોય છે સમાચારી. તીર્થંકરના બોધને સિધ્ધાંત કહેવાય. ગુરુ કે આચાર્યની શિક્ષાને સમાચારી કહેવાય. તીર્થંકર ત્રિકાળજ્ઞાની હોય અને ગુરુ કે આચાર્ય મહાજ્ઞાની હોય. તીર્થંકરના પ્રથમ શિષ્યોને ગણધર કહેવાય અને પરંપરાથી જે બને તે ગુરુ કે આચાર્ય કહેવાય. જે તીર્થંકરોએ એમના કેવળજ્ઞાનમાં, એમની પ્રજ્ઞામાં જોયું અને જાણ્યું હોય એની જ રચના ગણધરો કરે અને એ રચના એટલે આપણા આગમ જેમાં પ્રભુએ પ્રરૂપેલાં સિધ્ધાંતોનું દર્શન છે, જ્યારે આચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લક્ષમાં રાખી, વિચારધારા અને માન્યતાઓને લક્ષમાં રાખી, તે સમયના સંજોગો અને પરિસ્થિતિઓને લક્ષમાં રાખી જે રચના કરે છે તેને સમાચારી કહેવાય છે. અર્થાર્ત્‌ સમય અનુસારની આચાર સરણી એટલે સમાચારી!!

 

તીર્થંકર પરમાત્માના મુખકમલમાંથી નીકળતાં ઉપદેશને સિધ્ધાંત કહેવાય છે. તીર્થંકરના ઉપદેશ સર્વ સામાન્ય અને સર્વને સંબોધીને હોય છે અને જન હિતકારી હોય છે, જ્યારે આચાર્યના શ્રીમુખેથી નીકળતાં બોધવચનોને, આદેશને સમાચારી કહેવાય છે. આચાર્યનો આદેશ વ્યક્તિગત હોય છે, વ્યક્તિના સમય, સંજોગો અને કર્મો આધારિત તેને હિતકારી આદેશ આપવામાં આવે છે.

 

ઉપદેશ સાંભળવાવાળા માટે હોય, આદેશ સમર્પિત માટે હોય. પરમાત્માના ઉપદેશમાં હોય જ્ઞાન આરાધના કરવા જેવી છે, જ્યારે આચાર્ય સમર્પિત શિષ્યને આદેશરૂપ આજ્ઞા આપે કે, આ જ્ઞાન આરાધના તમારે કરવાની છે. પરમાત્માના ઉપદેશમાં હોય, આર્ય ક્ષેત્રમાં વિચરણ કરવું જોઇએ. જ્યારે તે સમયના સંજોગો અને પરિસ્થિતિ જોઇ આચાર્ય શિષ્યને ના પણ પાડી શકે છે કે તે ક્ષેત્રમાં અત્યારે વિચરણ નથી કરવાનું! બની શકે છે પરમાત્માએ ઉપદેશ આપ્યો ત્યારે તે ક્ષેત્ર ત્રિકાલ વિચરણ કરવા યોગ્ય હોય અને સમય પસાર થતાં, કાળની અસર થતાં, ત્યાંની પ્રજાના વ્યવહાર અને વૃતિ બદલાય ગયાં હોય, થોડા સમય માટે ત્યાંનું વાતાવરણ બદલાઇ ગયું હોય એટલે પરમાત્માનું વચન પણ સત્ય છે પણ વર્તમાનની પરિસ્થિતિ અલગ હોવાથી, શિષ્યના હિત અને શ્રેયને લક્ષમાં રાખી આચાર્ય ના પણ પાડી શકે છે. કેમકે શિષ્ય આચાર્યને આધીન હોવાથી આચાર્ય એના અનુશાસક હોય છે.

 

સમય અનુસાર જે નિયમોનું સર્જન કરે અને વિસર્જન કરે તે આચાર્ય છે અને સમય અનુસારના નિયમોનું સર્જન અને વિસર્જન તે સમાચારી છે, એટલે પ્રભુ સિધ્ધાંતોને ધ્યાનમાં રાખીને સમાચારીની રચના આચાર્ય કરે છે. એક હોય છે builder અને એક હોય છે architect! Builder તમને આખો bungalow બનાવી આપે છે અને architect એમાં તમારી ઇચ્છા મુજબ બારી-બારણા કે અંદરના room, kitchen આદિને નાના-મોટાં કરી આપે છે.

 

એમ તીર્થંકર પરમાત્મા builder સમાન છે જ્યારે આચાર્ય architect છે. તીર્થંકર પરમાત્માએ મુખ્ય-મુખ્ય નિયમો અર્થાત્‌ સિધ્ધાંતોની રચના કરી જ્યારે આચાર્ય સમય અનુસાર નિયમોની રચના કરે છે. તીર્થંકર પરમાત્માએ bungalow બનાવી દીધો, હવે એ bungalow માં બારી-બારણા કે room-kitchen માં internal ફેરફાર કરવાની જ સત્તા આચાર્ય એટલે કે architect પાસે હોય છે. Architect ક્યારેય એ bungalow ની બહાર ન જાય, અંદરમાં જ ફેરફાર કરે.

 

એમ, ભગવાનના સિધ્ધાંતોને તોડયા વિના, સમય અનુસાર આચાર્ય જે નિયમો બનાવે તેને સમાચારી કહેવાય છે. સિધ્ધાંત ત્રિકાલ એક જ હોય, સમાચારી સમય પ્રમાણે બદલાતી હોય. સિધ્ધાંત મોટા નિયમોથી સર્જાય, સમાચારીમાં નાના નિયમો હોય, સિધ્ધાંત દરેક સમુદાય માટે સમાન હોય જ્યારે સમાચારી સમુદાય પ્રમાણે અલગ અલગ હોય શકે છે.

 

આત્માનો વિવેક જગાડે તે સિધ્ધાંત, સમયનો વિવેક જગાડે તે સમાચારી. આંતરિક ભાવોનું પરિવર્તન કરાવે તે સિધ્ધાંત, બાહ્ય વ્યવહારમાં પરિવર્તન લાવે તે સમાચારી!

 

સિધ્ધાંત અને સમાચારી પરસ્પર હોય

 

શું ક્યારેય કોઇપણ ડાળી વૃક્ષનાં થડ વિના હોય શકે? શું પાંદડા ક્યારેય ડાળી વિના ઊગી શકે? જેમ વૃક્ષમાં થડ જ ન હોય તો ડાળી કે પાંદડા કયારેય ન હોય, તેમ જો સિધ્ધાંતો ન હોય તો સમાચારી ક્યારેય બની જ ન શકે. જેમ થડ વિનાના વૃક્ષમાં ડાળીઓ કે પાંદડાઓનું અસ્તિત્ત્વ ન હોય તેમ સિધ્ધાંતો વિના સમાચારીનું સર્જન ક્યારેય ન હોય. સિધ્ધાંત વૃક્ષના થડ સમાન હોય છે, જ્યારે સમાચારી ડાળીઓ અને પાંદડા સમાન હોય છે. સમાચારી એ જ છે જેનો આધાર સિધ્ધાંત હોય છે, જેમ ડાળીઓનો આધાર થડ હોય છે!  અર્થાત્‌ સિધ્ધાંત અને સમાચારી એક સાથે જોડાયેલાં છે.

 

સમાચારીનો આધાર

 

એક શિષ્ય જ્યારે આત્મશુધ્ધિ અર્થે સાધના કરવા ઉલ્લાસિત થાય છે ત્યારે આચાર્ય તે સાધકની શારિરીક, આત્મિક અને માનસિક સ્થિતિને જાણીને તે અનુસાર તેને યથા પ્રકારની સાધના માટે આજ્ઞા અને આદેશ આપે છે, તથા પ્રકારના નિયમોનું પાલન કરવાની પ્રેરણા આપે છે.

 

बलं थामं पेहाए, सध्धा मारुग्गमप्पणो,

खेतं कालं विण्णाय, तहप्पाणं णिजुंजए

– Shree Dashvaikalik Sutra

 

A. बलं : શિષ્યની શારીરિક શક્તિને જાણવી

 

શિષ્યને માસક્ષમણની સાધના કરવાના ભાવ હોય, પણ એની શરીરની ક્ષમતા ન હોય તો આચાર્ય કે ગુરુ આદેશ ન આપે.

 

B. थामं : શિષ્યની ક્ષમતાને જાણવી

 

શિષ્યને રાત-દિવસ જાગીને સવાસો ગાથાનો સ્વાધ્યાય કંઠસ્થ કરવાના ભાવ હોય પણ જો એને રાત્રે જાગવાથી બીજે દિવસે માથુ દુખવા લાગતું હોય કે તાવ આવી જતો હોય તો આચાર્ય આદેશ ન આપે.

 

C. आरुग्गंः શિષ્યનું આરોગ્ય જાણીને

 

શિષ્યને ગૌચરી વ્હોરાવવા જવાના ભાવ છે પણ થોડાં દિવસ પહેલાં જ એને મલેરિયા થયો હોવાથી, એના માટે બપોરના તડકામાં બહાર જવું, એના આરોગ્ય માટે યોગ્ય ન હોવાથી આચાર્ય કે ગુરુ આદેશ ન આપે.

 

D. खेतंः ક્ષેત્રની પરિસ્થિતિ જાણીને

 

શિષ્યને ચાતુર્માસ અર્થે આજ્ઞા આપતાં પહેલાં આચાર્યો જાણે છે કે, તે ક્ષેત્રની હવા ભેજવાળી છે અને શિષ્યને શ્વાસની તકલીફ છે તો ત્યાં જવાની આજ્ઞા ન આપે.

 

E. सद्धांः શિષ્યની શ્રધ્ધાને જાણીને

 

શિષ્યને અન્ય બીમાર સાધુની વૈયાવચ્ચ કરવાના ભાવ થાય છે ત્યારે આચાર્ય પ્રથમ એનું અવલોકન કરે છે. ખરેખર એને વૈયાવચ્ચના ભાવ છે કે માત્ર સારું દેખાવા સેવા કરવી છે? શું તેનો આંતરિક ભાવ છે? જો શ્રધ્ધા સમ્યગ્‌ હોય તો તેને વૈયાવચ્ચની આજ્ઞા આપે.

 

આમ એક આત્મા જ્યારે સાધનાના માધ્યમ દ્વારા કર્મો સાથે યુધ્ધ કરવા તત્પર થાય છે ત્યારે આચાર્ય તેનું શારીરિક બળ, તેની આંતરિક ક્ષમતા, તેની શ્રધ્ધાની દૃઢતા, તેનું આરોગ્ય, કાળ, ક્ષેત્ર આદિને લક્ષમાં રાખી જે નિયમો બનાવે તે સમાચારી કહેવાય છે. સમાચારી શિષ્યોના બળ, આરોગ્ય, ક્ષમતા અને શ્રધ્ધા સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સમય અને સંજોગોના આધારે બનાવવામાં આવે છે.

 

સમાચારીનું આચરણ- સમાધિનું પ્રાગટ્‌યકરણ

 

સમાચારીને માત્ર જાણવાની જ ન હોય, સમાચારી આચરણમાં હોવી જોઇએ. જે સમાચારીનું નિષ્ઠાપૂર્વક આચરણ કરે છે તેની આંતરિક સમાધિ પ્રગટ થાય છે. જે સમાચારીમાં હોય, તે સદાય સમાધિમાં હોય.

 

જ્યારે કોઇપણ સાધુ-સાધ્વીજીને શાંત અને સૌમ્યભાવમાં જૂઓ ત્યારે સમજવું કે તેઓ સમાચારીને વફાદાર છે. સમાચારીના આચરણથી સાધુ જીવનમાંથી પ્રમાદ, ઇગો, ઇર્ષ્યા આદિ અવગુણોનો નાશ થાય છે.

 

સમુદાયના સર્વ સાથેના સંબંધોમાં પવિત્રતા અને નિઃસ્વાર્થતા આવે છે. સર્વ પ્રત્યે આદરભાવ પ્રગટે છે. રત્નાધિકોને માન અને નાનાનું સન્માન સચવાય છે. વિનય અને વિવેકમાં વૃધ્ધિ થાય છે. દરેક પ્રવૃતિઓ વ્યવસ્થિત અને સમયસર થાય છે.

 

દરેકને પોતાના કર્તવ્યની જાગૃતિ રહે છે. નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી સાધુજીવનશૈલી શ્રેષ્ઠ બને છે, સાધના ઉત્તમ થઈ શકે છે અને સાધુત્ત્વનો અહેસાસ પરમ આનંદ અને પરમ સંતોષની પ્રાપ્તિ કરાવે છે.

 

સમાચારીનું પાલન કરનાર તો પોતાના ‘સ્વ’ અને સંયમને ઉન્નત બનાવે છે પણ પરમાત્માએ તો કહ્યું છે, સમાચારીની રચના કરનાર અને સમાચારીનું પાલન કરાવનાર વ્યવસ્થાપક એવા આચાર્ય કે ગુરુ તો વહેલામાં વહેલાં ત્રીજા ભવે અને મોડામાં મોડા તેરમાં ભવે અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે, કારણ કે, તેઓ બધી જ ઉપાધિઓને પોતાના પર લઈ, સમસ્ત સમુદાયને શાંતિ અને સમાધિ આપે છે. જે બીજાને સમાધિ આપે છે, બીજાની સમાધિ માટે સહાયક બને છે તેના અનંતા કર્મો ક્ષય થઈ જાય છે અને તેને સ્વયં પરમ સુખ અને પરમ શાંતિરૂપ પરમપદની પ્રાપ્તિ થાય છે.

 

આમ, સમાચારી सव्वदुक्ख विमोक्खणिं – છે, એટલે કે શારીરિક, માનસિક આદિ સર્વ દુઃખોથી મુક્તિ અપાવનારી છે. સમાચારીના શ્રધ્ધાપૂર્વકના આચરણથી સર્વ દુઃખોનો અંત થઈ જાય છે અને આંતરિક સમાધિ પ્રગટ થાય છે.

 

तिण्णा संसार सागरं – છે, એટલે કે સમાચારીનું પાલન કરી અનેક આત્માઓ સંસાર સાગર તરી ગયાં છે, મોક્ષને પ્રાપ્ત થયાં છે. સમાચારીના વફાદારીપૂર્વકના આચરણથી અનંતકાળના સંસાર પરિભ્રમણનો અંત થાય છે અને સિધ્ધત્ત્વની પ્રાપ્તિ થાય છે.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208