Explore Themes

Param Gurudev Shree Namramuni Muni Maharaj Saheb’s Mangal Pravesh

images
Language : Gujarati

મુંબઈના ભાવિકોની લાંબી પ્રતિક્ષાનો અંત કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનું પારસધામ ઘાટકોપરમાં પાવન આગમન
 
તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની અજોડ સાધના લઘુસિંહનિષ્ક્રીડિત તપની પૂણાર્હુતિએ કાંદિવલી તથા ઘાટકોપરમાં તપોત્સવનું ભવ્ય આયોજન

 
મહાનગર મુંબઈના હજારો ભાવિકો છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી જેમના મંગલ આગમનની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં હતાં એવા કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનું ઘાટકોપર સ્થિત પારસધામના પ્રાંગણે આગમન થતાં સર્વત્ર અનેરા ભક્તિભાવની લહેર પ્રસરી ગઈ હતી.
 
ગત 2017ના વર્ષ માં મુંબઈથી વિહાર કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, પૂર્વ ભારતના કોલકાત્તા, ગિરનાર તેમજ મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામમાં ઐતિહાસિક અને યાદગાર ચાતુર્માસ સાથે કોરોના કાળની વિષમ પરિસ્થિતિમાં પણ વિશ્વવ્યાપી અદભુત શાસન પ્રભાવના કરતાં કરતાં અનેક આત્માઓને સંસારથી ઉગારી દીક્ષાના કલ્યાણ દાન આપીને ફરીની મુંબઈની ભૂમિમાં પધારેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ સંત – સતીજીઓનું ભવ્ય શોભાયાત્રા દ્વારા ભક્તિભીનું આગમન કરવામાં આવ્યું હતું.
 
શુકનવંતા મંગળ કળશ, લહેરાતા ધર્મ ધ્વજ અને અનેક ભાવિકોથી શોભતી આ શોભાયાત્રા પારસધામના આંગણે પહોંચતાં જ લુક એન લર્નના બાળકો, અર્હમ્ યુવા સેવા ગ્રુપના યુવાનો તેમજ શ્રી પારસધામ સંકુલના ભાવિકોએ પરમ ગુરુદેવના આગમનને હર્ષ-આનંદથી વધાવી લીધું હતું .
 
વિશેષમાં, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી વર્ષ 2016માં દીક્ષા અંગીકાર કરનારા તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબ, માત્ર 28 વર્ષની યુવાન વયમાં, માત્ર છ વર્ષના દીક્ષા પર્યાયમાં, ગોંડલ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં કોઈએ ન કરી હોય એવી અજોડ તપ સાધના લઘુસિંહનિષ્ક્રીડિત મહાતપ સાધનામાં જોડાઈને પોતાના સંયમ જીવનને ધન્ય બનાવી રહ્યાં છે ત્યારે ગત સંવત્સરીથી પ્રારંભ થએલી એમની 187 દિવસની તપ આરાધનામાં માત્ર 33 દિવસના પારણા અને 154 ઉપવાસની અતિ ઘોર સાધના દેવ ગુરુની કૃપાએ પૂર્ણ બની રહી છે એના અનુસંધાને એમના તપોત્સવનું ભવ્ય આયોજન કાંદિવલીના આંગણે તારીખ 10th થી 13thથી માર્ચ 2022 તેમજ ઘાટકોપરના આંગણે 14th થી 16th માર્ચ, 2022ના રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 100થી વધુ સંત-સતીજીઓના સાંનિધ્યે કરવામાં આવ્યું છે .
 
તપ ધર્મ અને તપશ્ચર્યાની અનુમોદના કરવા આ અવસરે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ સંતો અને મહાસતીજીઓ, કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના આચાર્ય પૂજ્ય શ્રી ભાઈચંદ્રજી સ્વામી આદિ સંતો તેમજ મહાસતીજીઓ, ગોંડલ સંપ્રદાયના ડૉ. પૂજ્ય શ્રી તરુલતાબાઈ મ. આદિ, બોટાદ સંપ્રદાયના પૂજ્ય શ્રી વંદનાબાઈ મહાસતીજી આદિ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય શ્રી મીનાબાઈ મહાસતીજી આદિ, લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય શ્રી શિલપ્રભાબાઈ મહાસતીજી આદિ તેમજ મુંબઈમાં વિચરતાં વિવિધ સંપ્રદાયના પૂજનીય સંતો અને મહાસતીજીવૃંદના વિશેષ આગમન સાથે દેશ-વિદેશના હજારો ભાવિકો ઉપસ્થિત રહીને ધન્ય બનશે.
 
જૈન દર્શનના ઈતિહાસમાં 19માં તીર્થંકર પ્રભુ મલ્લિનાથ ભગવાનના આત્માએ મહાબલમુનિના ભવમાં તથા પ્રભુ મહાવીરના સમયમાં શ્રેણિક રાજાની 1 રાણીએ દીક્ષા અંગીકાર કરી આરાધેલી આ કઠિનતમ ઉગ્ર લઘુસિંહનિષ્ક્રીડિત તપ સાધના અંતર્ગત સિંહ જેમ એક ડગલું આગળ ભરીને ફરીને એક ડગલું પાછળ ભરે તેમ એક ઉપવાસ, પારણું, બે ઉપવાસ, પારણું ફરીને એક ઉપવાસ, પારણું ફરીને બે ઉપવાસ પછી પારણું એમ કરતાં કરતાં નવ ઉપવાસ સુધી આગળ વધીને ફરી નવ ઉપવાસથી એક ઉપવાસના ક્રમમાં આગળ વધતાં 154 ઉપવાસની અનુપમ આરાધના કરેલ.
 
આજના પંચમકાળમાં આવી ઉગ્ર તપશ્ચર્યા કરનારા મહાતપસ્વી આત્માની અનુમોદના કરવા તેમજ એક સાથે અનેક સંયમી આત્માઓના દર્શન વંદનનો લાભ પામવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
 
 

Mangal Pravesh-7
Mangal Pravesh-6
Mangal Pravesh-5
Mangal Pravesh-4
Mangal Pravesh-3
Mangal Pravesh-2

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208