On the occasion of Aaymbil Oli , Mangal Pravesh of Param Mahasatiji in Veravar Sangh

Language : Gujarati
પૂજ્ય શ્રી પરમ સન્મિત્રાજી મહાસતીજી આદિ ઠાણા -4 નું આયંબિલ ઓળી પર્વ અર્થે મંગલ પદાર્પણ
સ્વાગત શોભાયાત્રા સાથે પરમ મહાસતીજીઓનું અહોભાવભીનું સ્વાગત થયું
જૈન દર્શનમાં જે પર્વનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવા આગામી દિવસોમાં આવી રહેલા નવ દિવસીય આયંબિલ ઓળી પર્વની આરાધના અર્થે વેરાવળના શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સન્મિત્રાજી મહાસતીજી આદિ ઠાણા-4નું મંગલ પદાર્પણ થતા અત્યંત ભક્તિભાવથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુરુ પ્રાણની ભૂમિ વેરાવળના ધર્મપ્રેમી ભાવિકોને સત્ય ધર્મથી ભાવિત-પ્રભાવિત કરવા અનેરા કાર્યક્રમોના આયોજન સાથે પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષિત થયેલા પૂજ્ય શ્રી પરમ સન્મિત્રાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ સુરમ્યાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ ઋષિમિત્રાજી મહાસતીજીનું સ્વાગત કરતી સ્વાગત શોભાયાત્રા વેરાવળના ટાવર ચોકથી પ્રારંભ થયેલી અષ્ટમંગલધારી ભાઈઓ-બહેનો બાળકો, ધર્મધ્વજ અનેકવિધ વિવિધતાઓ સાથે શોભતી, જયકાર ગુંજવતી શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં વિરામ પામતા પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓનો સ્વાગત સમારોહ યોજાયો હતો.
સર્વને આવકારતા શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહના સ્વાગત વક્તવ્ય તેમજ સંઘના બાળકો દ્વારા સુંદર સ્વાગત નૃત્ય અને મહિલા મંડળ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ સાથે જ અનેક મહાનુભાવો ઉપસ્થિતમાં આ અવસરે પૂજ્ય શ્રી પરમ સન્મિત્રાજી મહાસતીજીએ આયંબિલ ઓળીના આ પર્વમાં અનાસક્તિની આરાધના દ્વારા જીભના સ્વાદ પર વિજયની સાથે મનના સ્વાદ, મનની અનુકૂળતા પર વિજય પ્રાપ્ત કરી તન પર મનની જીત પામવાનો બોધ વચન આપીને સહુને બોધિત કર્યા હતા.
પૂજ્ય શ્રી પરમ પાવનતાજી મહાસતીજી દ્વારા શ્રી સંઘમાં નવ દિવસ સુધી અનેરા આયોજનમાં સહુને અહોભાવથી જોડાઈ જવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આગામી 7th એપ્રિલ, 2022 થી 15th એપ્રિલ,2022 સુધી ચાલનારા આયંબિલ ઓળી પર્વ અંતર્ગત દરરોજ સવારે 6.30 થી 7.15 મ્યુઝિકલ ધ્યાન એવમ્ પ્રાર્થના. ત્યાર બાદ 8.45 થી 9.45 પ્રવચન, 11:30 બાદ આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે 8:00 થી 9:00, 35 વર્ષથી નાની બાલિકાઓ તેમજ પુત્ર વધુઓ માટે વિશિષ્ટ શિબિર યોજવામાં આવશે. તેમજ 10th એપ્રિલ,2022 રવિવારે, સવારે 9 કલાકે આજના યુગમાં પરિવારોના દિલમાં વધતી જતી દીવાલોને ઘટાડવા.. સ્નેહ, વાત્સલ્ય અને ક્ષમાનો અનેરો કાર્યક્રમ એટલે “પારિવારીક પ્રેમ મહોત્સવ” તેમજ 13th એપ્રિલ,2022 ભગવાન મહાવીર જન્મોત્સવ અવસરે ભગવાન મહાવીર જન્મના તે દ્રશ્યને તાદ્રશ્ય કરતી નાટિકા પ્રસ્તુત થશે.
આમ નવ નવ દિવસ સુધી આત્માહિત કરાવી દેનાર આ દરેક આયોજનમાં જોડાઈને આત્મહિત સાધવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આયંબિલ પર્વના દરેક આયોજન શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘ, સ્ટેશન રોડ, જૈન હોસ્પીટલની બાજુમાં, વેરાવળ ખાતે રાખવામાં આવ્યા છે.

Subscribe to Whatsapp Broad cast