On the occasion of Aaymbil Oli , Mangal Pravesh of Param Gurudev Shree Namramuni Maharaj Saheb in Gondal

Language : Gujarati
ગોંડલના ભાવિકોને ધર્મના અમીટ રંગે રંગી રહ્યાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
પરમ ગુરુદેવના શ્રીમુખેથી વહી રહી મહાપુરુષોના મહાપુરુષાર્થની પ્રવચનધારા મહાનતાના દર્શન કરાવી રહી
સંસાર સાગરને હું પણ તરું અને અન્યને પણ તારું સ્વરૂપ તિન્નાણં-તારયાણં બની જવાના પરમ કલ્યાણકારી બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ગોંડલમાં પ્રગટ થઈ રહેલી મહાપુરુષોના મહાપુરુષાર્થની પ્રવચનમાળાનો આજનો અવસર સર્વત્ર પ્રભુધર્મની સુવાસ પ્રસરાવવાની પ્રેરણા આપી ગયો હતો.
ગોંડલ સંપ્રદાય સંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્યદેવ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગોંડલ ગાદીના ઉપાશ્રયમાં શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે આયંબિલ ઓળી પર્વ અર્થે પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ છ સંતો તેમજ પૂજ્ય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી આદિ ઠાણાના સાંનિધ્યે પરમ ગુરુદેવના શ્રીમુખેથી જ્યારે મહાપુરુષોની મહાનતાના સર્જનમાં સમાયેલા રહસ્યો ઉદઘોષિત થઈ રહ્યા છે ત્યારે ન માત્ર ગોંડલ પરંતુ પ્રત્યક્ષ અને લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો આ પ્રવચનમાળામાં જોડાઈને જીવનને ધન્યતા બક્ષી રહ્યા છે.
પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, કોઈ પણ જીવને જેવો સંગ એવો રંગ લાગતાં વાર નથી લાગતી. પ્રભુ કહે છે જેને સંસાર મિત્રનો સંગ મળે છે એનો સંસાર વધી જતો હોય છે. પણ જેને કલ્યાણમિત્રનો સંગ મળે છે એનું આત્મકલ્યાણ સર્જાઈ જતું હોય છે. માટે જ પ્રભુનો ભક્ત એ જ હોય જે અન્ય જીવો માટે કદી સંસારનું નિમિત્ત ન બનતા કલ્યાણનું નિમિત્ત બની જાય. વીતરાગી પરમાત્માનો ભક્ત એ જ હોય જેની ધર્મનિષ્ઠા એના સંગમાં આવનારાના અધર્મ અને અવગુણ પણ ક્ષય કરાવી દે. પ્રભુનો ભકત માત્ર લેબલનો ભક્ત ન હોય પરંતુ એનો વિનય એવો હોય, એના વચનોનું માધુર્ય એવું હોય કે એની પાસે આવનારા પણ વિનયવાન બની જાય. જે અન્યને ધર્મ પમાડી ન શકે, જે અન્યને તારી ન શકે તે કદી પ્રભુપુત્ર ન હોય.
આવતીકાલથી પ્રારંભ થઇ રહેલ આયંબિલ ઓળી પર્વ અંતર્ગત અનેક પ્રકારના આયોજનમાં ભક્તિભાવથી જોડાઈને આત્માહિત સાધવા શ્રી સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Subscribe to Whatsapp Broad cast