Laghu Sarvatobhadra Tapp & Laghu Sinhnishkreedit Tapp Anumodna avsar

Language : Gujarati
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે પુનડી ગામમાં ઉજવાશે મહાતપસ્વી આત્માઓનો તપોત્સવ 7th અને 8th ઓક્ટોબરે
100 દિવસીય તપ સાધના- લઘુસર્વતોભદ્ર મહાતપ આરાધક પૂજ્ય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી એવમ્ 187 દિવસીય તપ સાધના – લઘુસિંહનિષ્ક્રિડીત મહાતપ આરાધક શ્રી પાયલબેન અજમેરાના થશે પારણા
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનારા પૂજ્ય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજીએ ગુરુકૃપાએ લઘુ સર્વતોભદ્ર મહાતપ નિર્વિઘ્ને પરીપૂર્ણ કરતા, તેમજ રાજકોટ નિવાસી શ્રી પાયલબેન અજમેરાએ લઘુસિંહનિષ્ક્રિડીત મહાતપની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ કરતા, બંને તપસ્વી આત્માઓના પારણા અવસરે તપોત્સવનું આયોજન કચ્છ, ગામ પુનડીના SPM આરોગ્યધામ ખાતે કરવામાં આવ્યું છે.
ચાર વર્ષ પહેલા રાજકોટમાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરીને ટૂંકા દીક્ષા પર્યાયમાં એક માસક્ષમણ તપની આરાધના સાથે 75 ઉપવાસ સાથેની લઘુ સર્વતોભદ્ર મહાતપ આરાધના કરનારા પૂજ્ય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજીના પારણા અવસરે તારીખ 8/10/2022 શનિવાર સવારે 8:30 કલાકે તપોત્સવ યોજાશે. એ સાથે જ છેલ્લા છ મહિનાથી 187 દિવસના સમયગાળામાં માત્ર 33 પારણા સાથે 154 દિવસના ઉપવાસની ઉગ્રાતિઉગ્ર આરાધના કરનારા શ્રી પાયલબેન અજમેરાના પારણા અવસરે તારીખ 7/10/2022 શુક્રવાર સવારે 8:30 કલાકે તપોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે.બે દિવસીય આ તપોત્સવમાં તપ ધર્મ અને તપસ્વી આત્માઓની અનુમોદના કરતા તપસ્વી સન્માન શોભા યાત્રા તેમજ સાંજી સ્તવના અનેરા સ્વરૂપે યોજાશે.
તપસ્વી આત્માઓની અનુમોદના કરવા આ અવસરે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોથી બહોળી સંખ્યામાં ભાવિકો પુનડી પધારીને અનુમોદનાના ભાવમાં ભીંજાશે.
દાન, શીલ, તપ અને ભાવ ધર્મની ઉછળતી લહેરો સાથે સમગ્ર કચ્છ, સમગ્ર ભારત તેમજ વિદેશમાં પણ ગુંજી રહેલી કચ્છ કલ્યાણકારી ચાતુર્માસની યશસ્વી મહિમાને આગળ વધારતા બે દિવસીય તપોત્સવના અવસરે પધારવા સહુ ધર્મપ્રેમી ભાવિકોને શ્રી SPM પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Subscribe to Whatsapp Broad cast