Ayambil parna Avsar at Rajkot

Language : Gujarati
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા 9 પ્રત્યે અહોભાવિત ઋણસ્વીકૃતિ સાથે રાજકોટમાં ઉજવાયો આયંબિલ પારણા અવસર.
પ્રથમવાર રાજકોટમાં અનોખા આયોજન સાથેની આયંબિલ ઓળી પર્વની અનેરી અનુભૂતિ સહુના હૃદયમાં યાદગાર સંભારણા અંકિત કરી ગઈ.
તપ પૂર્ણ નથી થયું, તપ પ્રારંભ થયું છે.
કોઈના પર તપવું નહીં,તે પણ એક તપ હોય છે.
પૂજ્ય શ્રી પરમ જિનવરાજી મહાસતીજી
સ્પ્રિંગ જેવા ચંચળ મનને વાળી ઈચ્છા નિરોધની સાધના કરીએ.
– પૂજ્ય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી
રાજકોટનાં શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી. એમ. શેઠ પોષધશાળા – ઓમાનવાળા ઉપાશ્રયમાં નવ નવ દિવસ સુધી રાજકોટના સર્વ વયના ભાવિકોને ધર્મભાવથી ભાવિત – પ્રભાવિત કરી દેનારા અનોખા આયોજન સાથે આયંબિલ ઓળી પર્વની યાદગાર આરાધના કરાવનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી સાથે રાજકોટના સાત સંયમી દીકરીઓ આદિ ઠાણા 9ના સાંનિધ્યે આયંબિલ ઓળી પર્વની પૂર્ણાહુતિ એ પારણા અવસર ઉજવાયો હતો.
આયંબિલ ઓળી પર્વના માત્ર નવ દિવસ સુધી જ નહીં પરંતુ અનંતકાળની આહારસંજ્ઞાની શુદ્ધિ માટે દરેક દિવસે તપના નાનકડા સંકલ્પ કરવાની પાવન પ્રેરણા આપતાં આ અવસરે પૂજ્ય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી એ ફરમાવ્યું હતું કે, પર્વ ચાહે આયંબિલ ઓળીનો હોય કે ચાહે પર્વાધિરાજ પર્વ પરંતુ જૈન દર્શનના કોઈપણ પર્વ આત્મશુદ્ધિના યુદ્ધનો શંખનાદ કરાવી સાધનાના માર્ગે દોરી જતાં હોય છે. અને સાધનાના માર્ગે સ્પ્રિંગ જેવા ચંચળ મનને વાળી ઈચ્છાનિરોધના તપ દ્વારા આપણી અનંતકાળની સંજ્ઞાઓ પર વિજય મેળવી લઈએ.
આ અવસરે ઋણસ્વીકૃતિના ભાવો વ્યક્ત કરતાં શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે કહ્યું હતું કે સમગ્ર રાજકોટમાં સંપૂર્ણ ડિસિપ્લિન અને અદ્ભૂત આરાધના સાથેના કાર્યક્રમો દ્વારા પ્રથમવાર આવા આયંબિલ પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટના બાળકો, યુવાનો વડીલો અને દરેક સંઘો તરફથી એક અભૂતપૂર્વ પ્રતિસાદ સાથેની પ્રશસ્તિ થઈ રહી છે. ઉપરાંતમાં પ્રથમવાર બાળકો માટે આયોજિત કરવામાં આવેલા આયંબિલ આહારમાં દરરોજ 60થી વધુ બાળકો એ લાભ લીધેલ અને ચખ લે-આહાર સાયન્સ ફૂડ ફેસ્ટ અનેક બાળકો સાથે અનેક ભાવિકોને સત્યની પ્રેરણા આપી ગયો હતો.
દરેક ભાવિકો તેમજ શ્રી સંઘની ઋણ સ્વીકૃતિનો સ્વીકાર કરતા પૂજ્ય શ્રી પરમ જિનવરાજી મહાસતીજીએ ફરમાવ્યું હતું કે ઋણ સ્વીકૃતિ માત્ર શબ્દોની જ નહીં પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી સમજને જીવનમાં વણી લેવી તે યથાર્થ ઋણ સ્વીકૃતિ હોય છે.
એ સાથે જ, પરમ ગુરુદેવ, પૂજ્ય વડીલ મહાસતીજીઓ આદિએ આપેલા સંસ્કારો પ્રત્યે ઉપકાર અભિવ્યક્તિ કર્યા બાદ પરમ મહાસતીજીઓના સાંનિધ્યે આયંબિલ તપની આરાધના કરનારા 160થી વધુ તપસ્વીઓ તેમજ 15થી વધુ બાળ તપસ્વીઓના પારણા યોજાયા હતા. શ્રી વીણાબેન શેઠના સુંદર સંચાલન સાથે આ અવસર સહુ માટે અવિસ્મરણીય બની સંપન્ન થયો હતો.

Subscribe to Whatsapp Broad cast