Explore Themes

A Journey of 0 + 0… or 0 + 1?

images
Language : Gujarati

જીવનયાત્રા… મનુષ્ય ભવની જન્મથી મૃત્યુ સુધીની યાત્રા, આ યાત્રા અર્થરૂપ છે કે વ્યર્થરૂપ?? જન્મ સમયે કાંઈ જ ન હતું અને મૃત્યુ પછી પણ કાંઈ જ નથી હોતું, અર્થાત 0 થી શરૂ થતી યાત્રાનો અંત પણ અંતે 0 જ હોય!

 

કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે તેની સાથે કાંઈ જ નથી હોતું, એક વસ્ત્ર પણ નહીં અને પછી ધીમે ધીમે સંબંધ સર્જાય, આ મમ્મી, આ પપ્પા, આ ભાઈ, આ બહેન એટલે જીવનયાત્રાના પ્રારંભમાં સંબંધ નામનો એક 0 ઉમેરાઈ ગયો. થોડા મોટા થયાં એટલે મમત્ત્વ નામનો બીજો એક 0 એમાં plus થઈ ગયો અને પછી લાગણી, રાગ, આકર્ષણ, એક પછી એક 0 plus – plus – plus થતાં ગયાં.

 

કોઈ પૂછે તમારી life માં તમે કેટલાં plus કર્યા? જવાબ મળે, મેં ઘણા બધાં plus કર્યા, પણ એ બધાં જ plus ની value શું? એક 0 માં જેટલાં પણ 0 plus થાય, value તો 0 જ રહે ને? Life ના સંબંધો, લાગણી, મમત્ત્વ, રાગ આદિ પાછળ આખી જીંદગી જે પુરુષાર્થ ર્ક્યો એ અર્થરૂપ કહેવાય કે વ્યર્થરૂપ?? અને છેલ્લે મિંચાતી આંખે, અંત સમયે કોઈ પૂછે કે, તમારું જીવન અર્થરૂપ હતું કે વ્યર્થ ગયું? તમારી પાસે શું જવાબ હોય?

 

0 થી શરૂ થતી આ યાત્રામાં જેટલાં પણ 0 plus કરવામાં આવે છે તે બધાં જ વ્યર્થ હોય છે, પણ એ 0 માં એકવાર 1 plus કરી દેવામાં આવે તો? એના પછી જેટલાં પણ zero plus થાય તો એની value કેટલી વધી જાય?

 

સંયમ શા માટે લેવાનો? દીક્ષા શા માટે લેવાની? પ્રભુના પંથે શા માટે જવાનું?

 

0 થી શરૂ થતી જીવનયાત્રામાં 0 + 1 કરવા માટે સંયમ છે, 0 + 1 કરવા માટે દીક્ષા લેવાની છે. દીક્ષા એ આત્મકલ્યાણનો માર્ગ છે અને આત્મા શાશ્વત છે, જ્યારે સંબંધો, લાગણી, રાગ, મમત્ત્વ આદિ દેહ આધારિત હોય છે અને દેહનું મૃત્યુ થતાં એ બધું જ છૂટી જાય છે.

 

માનો કે તમને severe heart attack આવ્યો હોય અને doctor એ કહ્યું હોય હવે બહુ જ થોડો સમય બાકી છે, તે સમયે તમે તમારી life નું analysis કરો તો તમને શું પરિણામ દેખાય? 0 + 0 + 0 કે પછી 0 + 1 ?? આખી જીંદગીમાં કરેલા દરેક પુરુષાર્થ વ્યર્થ!! કેમકે, એમાંનું એક પણ સાથે આવવાનું નથી.

 

કોઈ પણ એક વૃક્ષને જુઓ. એ મોટું થાય છે, એમાં નવી ડાળીઓ આવે છે, નવા પાંદડા આવે છે, ફળો આવે છે. જે સ્થાને એનો જન્મ થાય છે ત્યાં ને ત્યાં જ વર્ષો વિતાવે છે અને અંતે ત્યાં જ સૂકાઈને પોતાની લાઈફ પૂરી કરે છે. એનો બધો જ પુરુષાર્થ અર્થ પુરુષાર્થ કે વ્યર્થ પુરુષાર્થ? એમ જીવન યાત્રાના સંબંધો, લાગણીઓ, મમત્ત્વ, રાગ, આદિ ભવોભવના કે માત્ર આ ભવના જ?

 

વૃક્ષ પાસે તો કદાચ સમજ નથી કે હું આ ફળો કોની માટે બનાવું છું, આ પાંદડા, આ ડાળીઓ શા માટે બનાવું છું, પણ એક માત્ર મનુષ્યભવ એવો છે જેની પાસે સમજ છે કે મારે શું કરવુ જોઈએ, શા માટે કરવું જોઈએ!!

 

‘હે પ્રભુ! મને એટલી સમજણ આપી દે કે મારો વ્યર્થ પુરુષાર્થ ઘટી જાય અને મારો અર્થ પુરુષાર્થ વધી જાય. સંસારમાં વ્યર્થ પુરુષાર્થની વચ્ચે છું, કરવું પડે છે, પણ મને સમજાય ગયું છે 0 + 1 મારો અર્થ પુરુષાર્થ છે અને 0 + 0 મારો વ્યર્થ પુરુષાર્થ છે.

 

સંયમ લેવાનું મન કોને થાય?

 

પ્રભુના સમવશરણમાં વ્યક્તિ ભલે પહેલી જ વાર આવી હોય, પણ જેવું સત્યને સાંભળે, સત્ય સમજાય અને સત્યનું realisation થાય એટલે તરત જ એનામાં પરિવર્તન આવવા લાગે અને ત્યાંને ત્યાં સંયમ લેવાનું મન થઈ જાય. દીક્ષા લેવાનું મન એને જ થાય જેમના મોહનીય કર્મોનો ક્ષયોપશમ થયો હોય. મોહનીય કર્મોના કારણે વ્યક્તિને ભ્રમ થાય કે આ મારું family છે, આ મારો પરિવાર છે.

 

આત્માને ન કોઈ સંબંધ હોય કે ન કોઈ પરિવાર હોય, આત્માને ન કોઈ મમ્મી-પપ્પા હોય કે ન કોઈ દાદા-દાદી, કાકા-કાકી જેવા સંબંધો હોય. સંબંધો શરીરના કારણે હોય અને શરીર છૂટી જતાં સંબંધો પણ છૂટી જાય, આ ભવના માતા-પિતા શું આવતા ભવમાં સાથે હોય? દીક્ષા એ જ લઈ શકે જેમને સંબંધોનો ભ્રમ સમજાય જાય.

 

સંયમ એટલે શું?

 

સંયમ એટલે સંસારના સંબંધોની સ્મશાન યાત્રા! સંબંધોની રાખ થાય ત્યારે જ સંયમ લાખેણો થાય. ઘર છૂટે એ સંયમ હોય કે સંબંધ છૂટે એ સંયમ હોય? સંબંધ છૂટે એ સંયમ હોય કે સંબંધની લાગણીઓ છૂટે એ સંયમ હોય?

 

ગૌચરી-પાણી, વિહાર અને લોચના કષ્ટો સહન કરવા એ તો બહુ સહેલાં હોય છે કેમકે, એ શરીરને થતાં કષ્ટો હોય છે પણ મનથી સંબંધભાવ, લાગણીભાવ, સ્નેહભાવ, મમત્ત્વભાવ અને મારાપણાના ભાવ છોડવા અતિ કઠિન હોય છે.

 

70 ક્રોડા-ક્રોડ સાગરોપમના કર્મોમાંથી જ્યારે ૬૯ ક્રોડા-ક્રોડ સાગરોપમના કર્મો ક્ષય થાય ત્યારે તે વ્યક્તિને ખબર પડે કે સંબંધો temporary છે, સંબંધો મિથ્યા છે અને આ સત્યનું realise થાય અને પછી જે સંયમનો સ્વીકાર કરે તેનો સંયમ માર્ગ સાર્થક થાય. સંબંધ માત્રમાં લાગણી હોવી એ મિથ્યા કહેવાય છે. કેમકે, લાગણી મિથ્યા અસ્તિત્ત્વમાંથી જન્મે છે.

 

જે દિવસે આત્માને પોતાના સમ્ય્‌ક અસ્તિત્ત્વની ઓળખ થાય છે, આત્મતત્ત્વની ઓળખ થાય છે, તે દિવસથી તેનો આત્મા પ્રત્યેનો અહોભાવ ઉત્કૃષ્ટ થવા લાગે છે અને પોતાના આત્માને શુધ્ધ-વિશુધ્ધ બનાવવાના ભાવ પ્રબળ થવા લાગે છે, તે જ સંયમ પંથનો સ્વીકાર કરી શકે છે.

 

શું બધાંમાં આ ભાવ જાગે છે?

 

ના, બધાંમાં આવા આત્મ શુધ્ધિના ભાવ જાગતા નથી અને જેનામાં જાગી જાય છે તેને સંયમ માર્ગે આવતા કોઈ રોકી શક્તું નથી. જેનું લક્ષ આત્મ શુધ્ધિ હોય તેનો સંયમ સાર્થક હોય! સંયમ માર્ગ સ્વીકાર્યા પછી, ત્યાગના માર્ગે આવ્યા પછી, વ્યક્તિએ સર્વ પ્રથમ મન ઉપર સંયમ રાખવાનો હોય છે. મનથી પણ મમત્ત્વ ભાવ આવે એટલે મિથ્યાત્ત્વ શરૂ થઈ જાય.

 

જ્યાં માત્ર આત્મતત્ત્વનો ભાવ હોય, ત્યાં સમ્ય્‌કત્ત્વ હોય.

 

વર્ષોથી ધર્મ ધ્યાન ર્ક્યા પછી સંસાર માટેની લાગણી ઘટી છે કે વધી છે? સગા-સ્નેહીઓ માટેની લાગણી વધી છે કે ઘટી છે? એ લાગણીના કારણે તમે સુખી થયા છો કે દુઃખી? વિચાર કરો, તમને વસ્તુઓ વધારે દુઃખી કરે છે કે લાગણીઓ??

 

માટે જ, ભગવાને લાગણીને ‘કિંપાકફળ’ જેવી કહી છે. કિંપાકફળ એ ફળ છે જે ખાતી વખતે ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ લાગે પણ જ્યારે એની અસર થાય ત્યારે ખબર પડે આ તો ઝેર છે! જેને લાગણી ઝેર જેવી લાગે તેની દીક્ષા સાર્થક થાય!

 

સંયમ શું છે?

 

સંયમ એટલે લાગણીના માર્ગ ઉપરના speed breakers! સંયમ એટલે ધીમે-ધીમે લાગણીઓને ઘટાડવી અને જે દિવસે લાગણી શૂન્ય થાય તે દિવસે વીતરાગ દશા પ્રગટ થાય.

 

સંયમ શા માટે હોય છે?

 

સંયમ માત્ર સાધુ બનવા માટે કે સાધુત્ત્વનો અનુભવ કરવા માટે નથી, સંયમ વીતરાગ દશાને પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ છે. સંયમ સાર્થક ત્યારે જ કહેવાય જ્યારે વીતરાગ દશા પ્રગટ થાય, નહીં તો એમ કહેવાય કે તાજ હોટલમાં જઈને ચણા-મમરા ખાઈને આવ્યાં.

 

વીતરાગી પ્રભુનો સર્વશ્રેષ્ઠ ધર્મ પામ્યા પછી જો વીતરાગી જેવા બનવાનો પુરુષાર્થ ન કરીએ તો કેવા કહેવાઇએ? માટે, સંયમ લેવાય કે ન લેવાય પણ એક સંકલ્પ તો જરૂર કરી શકાય.

 

હે પરમાત્મા! દીક્ષા લેવાય તો શ્રેષ્ઠ છે પણ ન લેવાય તો મારે મારી લાગણી ઉપર break તો જરૂર મારવી જ છે.
હે પ્રભુ!

 

‘હું તારો અને તું મારો’, એ સિવાયનો મારો જેટલો પણ ભ્રમ છે, એ ભ્રમની લાગણીને મારે દિવસે-દિવસે ઘટાડવી છે.

 

પ્રભુનો ધર્મ મળ્યો એ સાર્થક ત્યારે જ થાય, જ્યારે આપણે પૂર્ણપણે લાગણીઓથી શૂન્ય થઈ જઈએ. લાગણીઓથી શૂન્ય થવા માટે છેસંયમનો માર્ગ!! જે દિવસે લાગણીઓની સ્મશાન યાત્રા નીકળે, તે દિવસે સંયમ સાર્થક કહેવાય!

 

જ્યાં લાગણી છે ત્યાં સંસાર છે. જ્યાં લાગણીનું મૃત્યુ છે ત્યાં સંયમ છે.
0 + 0 ની યાત્રા એ સંસાર છે અને 0 + 1 ની યાત્રા એ સંયમ છે.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208