Explore Themes

3 Tatvas That can Stop the Entry of Karma

images
Language : Gujarati

આત્મયાત્રા એટલે આત્માને શુધ્ધ કરવાની સાધના! આત્મયાત્રા એટલે કર્મોના મેલથી મલિન થયેલાં આત્માને નિર્મળ બનાવવાની process! કર્મોના મેલથી મલિન થયેલાં આત્માને નિર્મળ બનાવવાની સાથે-સાથે આત્મામાં નવા કર્મો ન આવે એની સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી હોય છે. માટે જ, આત્મયાત્રાના સાધક માટે ભગવાને ત્રિતત્ત્વની સાધના બતાવી છે.

 

ત્રિતત્ત્વની સાધનાઃ

 

ત્રિતત્ત્વની સાધનામાં ત્રણ process થાય છેઃ

 

1) કર્મોનું આવવું, કર્મબંધ થવા એટલે આશ્રવ,

2) આવતા કર્મોને અટકાવવા એટલે સંવર,

3) આવેલા કર્મોને બહાર કાઢવા એટલે નિર્જરા,

 

આશ્રવ, સંવર અને નિર્જરા.

 

માનો કે, તમારે સામે પાર જાવું છે. તમે એક નાવમાં બેસીને જઇ રહ્યાં છો, તમે જુઓ છો ધીમે-ધીમે કરીને તમારી નાવમાં એક પછી એક એમ આઠ છીદ્રો પડયાં છે, આઠ કાણા પડી ગયાં છે અને એમાંથી પાણી નાવની અંદર આવી રહ્યું છે. નાવ ધીમે-ધીમે ડૂબી રહી છે. નાવની સાથે તમે પણ ડૂબી જશો. આવા સમયે તમે સૌથી પહેલાં શું કરશો? જે કાણામાંથી પાણી આવે છે એ કાણાઓને બંધ કરવાનો પ્રયત્ન કરશો, જેથી પાણી નાવમાં આવતું અટકી જાય અને પછી નાવમાં જેટલું પાણી આવી ગયું છે તેને બહાર કાઢશો. તમારી નાવમાંથી જ્યારે બધું પાણી બહાર નીકળી જશે, હવે તમારી નાવ ડૂબશે નહીં, અને તમે પણ ડૂબશો નહીં. તમે સહી સલામત સામે પાર પહોંચી જશો.

 

આ જ process હોય છે આત્મ સાધકની! આત્મસાધકને પણ એની આત્મ નૌકાને સંસારને પેલે પાર મોક્ષ સુધી લઇ જવી છે, પણ એની પ્રવૃત્તિઓના કારણે એની નાવમાં છીદ્રો પડે છે. કર્મો આત્મા સાથે જોડાય જાય એવી પ્રવૃત્તિઓ જેમકે, ક્રોધ, માન, માયા, લોભ કરવા, રાગ-દ્વેષ કરવા, ઇર્ષ્યા-અદેખાઇ કરવી, અસત્ય, ચોરી, હિંસા, પરિગ્રહ કરવા, આદિના કારણે જે પાપકર્મો બંધાય છે, તેના કારણે આત્મા રૂપી નાવમાં આઠ પ્રકારના કાણા પડી જાય છે એટલે કે આઠ પ્રકારના કર્મ બંધાય છે. જેને કહેવાય છે આશ્રવ. આઠ પ્રકારના કર્મો એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય.

 

સંવરની સાધનામાં પ્રતિજ્ઞા સૂત્ર એટલે આત્મારૂપી નાવમાં કર્મોના કારણે પડતાં કાણાઓને seal કરવા. જ્યાં સુધી તમારી આત્મ નાવ sealpack છે, ત્યાં સુધી કર્મોરૂપી પાણી અંદર આવી શકશે નહીં. આ પ્રકારે આવતા કર્મોને અટકાવવા માટે જે સાધના કરવાની હોય છે તેને કહેવાય છે સંવર.

 

સંવર એટલે 48 minute ની સામાયિક કરવી અથવા તમારી પાસે 20-25 કે 10-15 જેટલી મિનિટનો સમય છે તેટલી મિનિટ માટે સંવર દ્વારા સમતાની સાધના કરવી, એટલા સમય માટે, કરેમિ ભંતે, સામાઇયં, સાવજ્જં જોગં પચ્ચક્‌ખામિ, જાવ નિયમ પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા, તસ્સ ભંતે, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ. સૂત્રના ઉચ્ચારણ સાથે પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની કે આટલો સમય હું મન, વચન અને કાયાથી કોઇ પણ પ્રકારની પાપ પ્રવૃત્તિ નહીં કરું.

 

આ પ્રતિજ્ઞા ગ્રહણ કરવાથી શું થયું?

 

એટલો સમય તમારા આશ્રવના દ્વાર બંધ થઇ ગયા. એટલો સમય તમે આવતા પાપના અશુભ કર્મોને અટકાવી દીધાં. એટલા સમય માટે તમારી આત્મ રૂપી નાવના કાણા બંધ થઇ ગયાં. આશ્રવના દ્વારને બંધ કરવા એ સંવરની સાધના છે.

 

સંવરની સાધનામાં પ્રતિજ્ઞા સૂત્ર એટલે આત્મરૂપી નાવમાં કર્મોના કારણે પડતાં છિદ્રોને seal કરવા. જ્યાં સુધી તમારી આત્મનાવ sealpack છે ત્યાં સુધી કર્મોરૂપી પાણી અંદર આવી શકશે નહીં. હવે, જે કર્મો આવી ગયાં છે, આત્મા સાથે જોડાઇ ગયાં છે તેને દૂર કરવાની process કરવાની છે, જેનું નામ છે નિર્જરા!

 

કર્મોની નિર્જરા કરવા માટે-અર્થાત કર્મોનો ક્ષય કરવા માટે ભગવાને બાર પ્રકારના તપની સાધના બતાવી છે, જેમાં 6 બાહ્ય અને 6 આભ્યંતર તપ છે. આ છ બાહ્મ તપ છેઃ

 

  1. કાયાકલેશ
  2. રસપરિત્યાગ
  3. વૃતિસંક્ષેપ
  4. ઉણોદરી
  5. વૈયાવચ્ચ
  6. સેવા

 

આ 6 આભ્યંતર તપ છેઃ

  1. પ્રાયશ્ચિત
  2. પ્રતિસલ્લીનતા
  3. સ્વાધ્યાય
  4. વિનય
  5. કાયોત્સર્ગ
  6. ધ્યાન

 

તપ દ્વારા આત્મા અને કર્મોને જોડતી જે લેશ્યા હોય છે તે લેશ્યા સૂકાય જાય છે, જેના કારણે આત્મા પર લાગેલાં કર્મો ખરી જાય છે, અર્થાત્‌ કર્મોનો ક્ષય થઇ જાય છે અને નવા કર્મો આત્માને ચોટતાં નથી. એટલે ધીમે-ધીમે આત્મા શુધ્ધ-વિશુધ્ધ અને નિર્મળ થવા લાગે છે અને આત્મા જ્યારે સંપૂર્ણ શુધ્ધ થઇ જાય છે ત્યારે પરમાત્મા બની જાય છે, મોક્ષને પામે છે, ત્યારે આત્મયાત્રીની આત્મયાત્રા પૂર્ણ વિરામ પામે છે અને આત્મયાત્રી આત્મ મંજિલે પહોંચી જાય છે.

 

તિન્નાણં-તારયાણંઃ

 

આશ્રવ, સંવર અને નિર્જરા, આ ત્રિતત્ત્વની સાધનાથી આત્મયાત્રી તિન્નાણં-તારયાણં બની શકે છે. આ સાધનાથી સ્વયં તો સંસાર સાગર તરે છે પણ અન્યને પણ સંસાર સાગર તરાવી શકે છે. કેવી રીતે?

 

માનો કે, તમારી સામે કોઇ એવી પરિસ્થિતિ આવી ગઇ અથવા કોઇ એવી ઘટના બની ગઇ જેના કારણે તમે અશાંત થઇ ગયાં, upset થઇ ગયાં, બરાબર એ જ સમયે તમે નિગોદના જીવોને યાદ કરી લીધાં અથવા તમારા મનની library માંથી કોઇ એક દ્દશ્યને યાદ કરી લીધું, પરિસ્થિતિનો સ્વીકાર થઇ ગયો અને તમે વિષમભાવમાંથી સમભાવમાં આવી ગયાં, તમે જે upset થતાં હતાં તેમાંથી હવે set થઇ ગયાં, શાંત થઇ ગયા!

 

પરિણામે શું થયું?

 

Upset અને અશાંત થવાના કારણે જે પાપકર્મનો બંધ થવાનો હતો, તે પાપકર્મ આવતા અટકી ગયાં, જાણતા-અજાણતા તમારાથી સંવર ની સાધના થઇ ગઇ. ભગવાને કહ્યું છે, જ્યારે-જ્યારે તમે સમભાવમાં રહો છો, સમભાવ રાખો છો ત્યારે-ત્યારે સંવરની સાધના થાય છે.

 

જ્યારે તમે પ્રતિજ્ઞા ગ્રહણ કરીને 48 minutes કે તમારી અનુકૂળતા પ્રમાણે જેટલો સમય સંવરની સાધના કરો છો એટલો સમય નવા કર્મોનું આગમન બંધ થઇ જાય છે, પ્રતિજ્ઞાપૂર્વક તમે કર્મોના આગમનને અટકાવો છો. એટલે તમારી આત્મનાવમાં કર્મોનું પાણી આવતું નથી એટલે તમારી નાવ ડૂબવાના બદલે તરી જાય છે, તમે તો તરી જાવ છો પણ તમારા કારણે બીજા પણ તરી જાય છે.

 

તમને વિચાર આવશે મારા કારણે બીજા કેવી રીતે તરશે? બહુ સામાન્ય વાત છે.

 

તમે સંવરની સાધના અર્થે એક સ્થાને શાંતિથી બેઠા છો, પ્રભુનું સ્મરણ અને પ્રભુનો સ્વાધ્યાય કરો છો. એટલો સમય તમે કોઇના ઉપર કોઇ ક્રોધ નથી કરતાં એટલે તમારા ક્રોધના કારણે સામેવાળી જે વ્યક્તિ ક્રોધિત થવાની હતી તે પણ ક્રોધ નથી કરતી, એટલે તમે તો તરો છો પણ તમારા કારણે બીજી વ્યક્તિ પણ શાંત અને સમભાવમાં રહીને તરી જાય છે. તમે એટલો સમય રાગ-દ્વેષ નથી કરતાં એટલે તમે જેમના પ્રત્યે રાગ-દ્વેષ કરવાના હતાં એમને પણ રાગ-દ્વેષ નથી થતાં. એટલે તમે તો રાગ-દ્વેષ ન કરવાના કારણે તરો છો પણ તમારા કારણે બીજા પણ રાગ- દ્વેષથી બચી જવાના કારણે તરી જાય છે.

 

સંવરની સાધનામાં તમે તો કર્મબંધન નથી કરતાં, અને તમારા નિમિત્તે, તમારી આસપાસવાળા જે કોઇ કર્મબંધન કરતા હતાં તે પણ કર્મબંધનથી મુક્ત થઇ ગયાં. તમે તો તમારા આત્માને પાપથી બચાવી લ્યો છો અને સાથે સાથે આસપાસવાળાના આત્મા પણ  પાપથી બચી જાય છે, જેના કારણે તમને એક label મળે છે. જેને કહેવાય છે,

 

तिन्नाणंतारयाणं

 

આત્મયાત્રી तिन्नाणं – तारयाणं હોય, જે સ્વયં તો સંસાર સાગર તરે અને અન્યને પણ તારે! દરરોજ સંવરની આવી નાની-નાની સાધના આત્મશુધ્ધિમાં સહાયક બને છે, સાથે-સાથે तिन्नाणं – तारयाणं બનાવે છે.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208