10 Samachari – The Management System of Prabhu Mahavir

Language : Gujarati
સાધુ લગભગ બે-પાંચ-પંદર કે પચ્ચીસના સમૂહમાં વિચરણ કરતાં હોય છે. જ્યારે વ્યક્તિને સમૂહમાં રહેવાનું હોય છે ત્યારે વ્યવસ્થા હોવી પણ જરૂરી હોય છે. એ વ્યવસ્થા એવી હોવી જોઈએ જેમાં સહુ સમાય જાય. જે વ્યવસ્થા દ્વારા સમૂહમાં બધાં સમાય જાય અને જેના કારણે સમૂહમાં એક રસ અને એકરૂપતા આવે તેને ‘સમાચારી’ કહેવાય છે.
સમાચારીમાં બધાં માટે સરખી વ્યવસ્થા હોય, બધાંનું એક સરખું આચરણ હોય અને બધાં માટે એક સરખું અનુશાસન હોય. જો નિયમ બનાવનાર એક માત્ર ગુરુ કે આચાર્ય હોય અને એ નિયમોનું પાલન સમસ્ત સાધુ સમુદાય વિનયપૂર્વક પાલન કરતો હોય તો સમુદાય શ્રેષ્ઠ બની જાય છે, એક મિશાલરૂપ બની જાય છે. જો નિયમ બનાવનારા અનેક હોય અને પાલન કરનારા પણ અનેક હોય ત્યાં વ્યવસ્થા જળવાતી નથી.
તીર્થંકર પરમાત્મા મહાવીરે નિર્વાણ પામતા પહેલાં, મોક્ષમાં પધારતાં પહેલાં, જગતજીવોના હિત, શ્રેય અને કલ્યાણ અર્થે, અનંતી કરુણા કરી આત્મહિત માટે બોધ આપ્યો, જે બોધવચનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં અંક્તિ કરવામાં આવ્યા છે. પ્રભુને પણ એમની પ્રજ્ઞામાં જ્ઞાન હતું કે પાંચમા આરામાં સમૂહમાં રહેતાં સાધુ-સાધ્વીજીઓ માટે અમુક પ્રકારના નિયમો અને વ્યવસ્થા જરૂરી બનશે, એટલે સાધુઓના સંયમજીવનમાં અતિ આવશ્યક એવી સમાચારી માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એક આખું અધ્યયન સમાચારી ઉપર આપી દીધું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના 26th અધ્યયનમાં દસ સમાચારી દ્વારા સાધુ જીવનના શિષ્ટાચારનું વર્ણન આપવામાં આવ્યું છે.
सामायारिं पवक्खामि, सव्व दुक्ख विमोक्खणिं ।
जं चरित्ताण णिग्गंथा, तिण्णा संसार सागरं ।। – 1
पढमा आवस्सिया णाम, बिइया य णिसीहिया ।
आपुच्छणा य तइया, चउत्थी पडिपुच्छणा ।। –2
पंचमी छंदणा णाम, इच्छाकारो य छट्ठओ ।
सत्तमो मिच्छाकारो य, तहक्कारो य अट्ठमो ॥ – 3
अब्भुट्ठाणं च णवमं, दसमी उवसंपया ।
एसा दसंगा साहूणं, सामायारी पवेइया ।। – 4
– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-26
॥ आवस्सिया णाम॥
- આવસ્સહી:
જ્યારે કોઈપણ શિષ્યને, કોઈપણ આવશ્યક કાર્ય અર્થે ઉપાશ્રય કે ધર્મસ્થાનકની બહાર જવાનું થાય અથવા પોતાના મન, વચન અને કાયાના યોગોનું અવગ્રહની બહાર પ્રવર્તન કરવાનું હોય ત્યારે તે શિષ્યે પોતાના ગુરુ અથવા નિશ્રાદાતા સમક્ષ તે જણાવવું જરૂરી હોય છે કે, ‘હું આ કાર્ય માટે બહાર જાઉં છું.’ આ ભાવને સૂચિત કરવા શિષ્ય ‘આવસ્સહી’ શબ્દનું ઉચ્ચારણ કરે છે જેને ‘આવસ્સહી સમાચારી’ કહેવાય છે.
‘આવસ્સહી’ એટલે હું મારી ઈચ્છાથી નહીં પણ સંયમલક્ષી આવશ્યક કાર્ય કરવા જઈ રહ્યો છું, એ ભાવની અભિવ્યક્તિ હોય છે. શિષ્યે માત્ર ‘આવસ્સહી’ કહીને જતાં રહેવાનું નથી હોતું, પણ ગુરુની આજ્ઞાની રાહ જોવાની હોય છે. જો કોઈ આજ્ઞા કે સંકેત ન મળે તો ફરીથી ‘આવસ્સહી’ કહીને અનુજ્ઞાની રાહ જોવાની હોય છે. આજ્ઞા મેળવીને જે શિષ્ય જાય છે તેની સાથે ગુરુઆજ્ઞા પાલનનું બળ પણ પ્રાપ્ત થાય છે.
‘આવસ્સહી’ નું ઉચ્ચારણ શા માટે કરવાનું?
આવસ્સહી શબ્દના પ્રયોગ દ્વારા માત્ર ગુરુને જણાવવાનો હેતુ નથી હોતો પણ ગુરુની આજ્ઞા લેવાના ભાવ હોય છે અને આજ્ઞા લઈ સ્વયંના અહમ્નું વિસર્જન કરવાનું લક્ષ હોય છે.
ગુરુ એ હોય છે, જે જાણતાં હોય છે કે શિષ્યનો તે સમયે કેવા કર્મોનો ઉદય છે, એ જે કાર્ય હેતુ જાય છે તે કાર્ય કરવું તેને માટે યોગ્ય છે કે નહીં, તે જે ક્ષેત્રમાં જાય છે તે ક્ષેત્ર તે સમયે તેના માટે અનુકૂળ છે કે નહીં? આ બધાં જ સંયોગોને લક્ષમાં રાખીને ગુરુ શિષ્યને ક્યાંય પણ જવાની અને કોઈ પણ કાર્ય કરવાની આજ્ઞા આપતાં હોય છે.
માટે જ, ગુરુ એ જ હોય છે જે તમારા સમયને જાણતા હોય. ગુરુ એ જ હોય છે જે દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે તમારા કર્મોના ઉદયને જાણતા હોય. ગુરુ એ જ હોય છે જે તમારા વાત, પિત્ત અને કફને જાણતા હોય. ગુરુ એ જ હોય છે જે સમયજ્ઞ, કાલજ્ઞ અને ભાવજ્ઞ હોય. ગુરુ એ જ હોય છે, જેમની દૃષ્ટિમાં શિષ્યની દરેક પ્રવૃત્તિ અને દરેક પ્રકૃતિ હોય.
ગુરુ ક્યારેય અનાવશ્યક કાર્ય માટે આજ્ઞા ન આપે,
ગુરુ એ જ આજ્ઞા આપે જે શિષ્યના સાધુત્ત્વને પુષ્ટ કરતી હોય.
આવસ્સહી સમાચારી દ્વારા ગુરુ શિષ્યની ઓરા, એની માનસિક સ્થિતિ, એના મુખના હાવ-ભાવ, એનું આરોગ્ય, એના કાર્યનું લક્ષ, એનો સમય, એ જે દિશામાં જઈ રહ્યાં છે, એ દિશાની યોગ્યતા, એ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં રાગનું પોષણ કરવા જાય છે કે સામેવાળાના હૃદયમાં ભક્તિ પ્રગટાવવા, એ બધાંનું અવલોકન કરતાં હોય છે અને પછી જો આવશ્યક લાગે તો જ સંમતિ આપે.
એટલે, શિષ્યએ ક્યાંય પણ જતાં પહેલાં ગુરુના ‘આવશ્યક નામના filter માંથી પસાર થવું પડે છે, જેના દ્વારા શિષ્ય પણ જાણી શકે છે કે તે કાર્ય તેના માટે આવશ્યક છે કે નહીં, તેના સંયમ ગુણોમાં વૃધ્ધિ કરાવનાર છે કે નહીં!’ આવસ્સહી સમાચારી દ્વારા શિષ્ય ઘણી બધી ભૂલો અને અશાતનાથી બચી શકે છે.
વર્તમાનકાળમાં દરેકમાં હર પલ સંયમ જાગૃતિ રહેવી અશક્ય છે, ત્યારે સમાચારી તમને જાગૃત રાખવામાં સહાયક બને છે. પોતાના આત્મ સાક્ષીએ સંયમ સ્વીકાર કરવા છતાં શિષ્ય માટે ગુરુ અથવા અનુશાસકની આજ્ઞાનો અંકુશ જરૂરી હોય છે. ભૂલની speed વધી ન જાય તે માટે સમાચારી રૂપ નિયમોનું speed breaker શિષ્યની સંયમ સાધના માટે અનિવાર્ય હોય છે.
ગુરુ પ્રત્યક્ષ ન હોય ત્યારે શિષ્યએ રત્નાધિકની આજ્ઞા લેવાની હોય છે અને કોઈ હાજર ન હોય ત્યારે પ્રગટપણે ‘આવસ્સહી’ નું ઉચ્ચારણ કરી સ્વયંના ઈનર વોઈસને સાંભળી યથા કાર્ય કરવું જોઈએ.
આવસ્સહી સમાચારી શિષ્યની અર્પણતાની અભિવૃધ્ધિ અને આંતરિક વિકાસ કરાવતી શ્રેષ્ઠ યાત્રા છે.
॥ ठाणे कुज्जा णिसीहियं ॥
- નિસ્સીહી :
જ્યારે ‘આવસ્સહી’ કહી, આવશ્યક કાર્ય માટે ગયેલા શિષ્ય પાછા ધર્મ સ્થાનકમાં અથવા જ્યાં એમના ગુરુ બિરાજમાન હોય ત્યાં પધારે છે ત્યારે તે ‘નિસ્સીહી’ શબ્દનું ઉચ્ચારણ કરે છે. ‘નિસ્સીહી’ શબ્દ દ્વારા તે ગુરુને સૂચન કરે છે કે હું પાછો આવી ગયો છું.
આવશ્યક પ્રવૃત્તિ માટે યોગનો ઉપયોગ કરવો તે આવસ્સહી સમાચારી છે તો યોગોમાં પ્રવર્તન પૂરું થઈ ગયું એનું નિર્દેશન ગુરુ સુધી પહોંચાડવું તે નિસ્સીહી સમાચારી છે. આ સમાચારીને નિર્વતન સમાચારી પણ કહેવાય છે.
નિસ્સીહી શબ્દ દ્વારા પોતાના પાછા આવ્યાની જાણ ર્ક્યા બાદ શિષ્યએ ગુરુને બનેલી દરેક વાત અને ઘટનાની જાણ કરવી જોઈએ, કે હું આ આ જગ્યાએ ગયો હતો, હું આ આ વ્યક્તિના ઘરે ગયો હતો, ત્યાંથી મને આ આ પદાર્થ વ્હોરાવ્યાં, આ વ્યક્તિએ આમ કહ્યું, આ વ્યક્તિ સાથે આવી હતી, રસ્તામાં આ શ્રાવક કે આ મુનિ મળ્યાં હતાં, તેમની સાથે આ પ્રમાણે વાત થઈ હતી, આમ હર એક સ્થિતિ અને સંયોગોની જાણ કરી શિષ્ય જે પદાર્થ, જે વસ્તુઓ વ્હોરાવીને લાવ્યા હોય તે ન માત્ર ગુરુને બતાવવાના હોય પણ તે બધું જ ગુરુને સોંપી દેવાનું હોય. શિષ્ય દરેક વાત અને દરેક ઉપલબ્ધિની ગુરુને જાણ કરી પોતે તે બધાંમાંથી નિવૃત થઈ જાય છે.
સમુદાયમાં રહેતાં સાધુ ક્યારેય પોતાની પાસે પોતાની કોઈ સ્વતંત્ર વસ્તુ રાખી ન શકે. એ ક્યારેય એમ ન કહે કે આ મારી pen છે કે આ મારી વસ્તુ છે. જો શિષ્ય કોઈ વસ્તુ પોતાની પાસે રાખે છે એનો અર્થ એ પોતાના રાગને, પોતાના માલિકી ભાવને પોષે છે, એની પરિગ્રહવૃત્તિ અને અહમ્વૃત્તિ વધે છે, મારી પાસે જે છે તેવું બીજા પાસે નથી એવા ભાવ જન્મે છે.
‘નિસ્સીહી’ એ અર્ધમાગધી ભાષાનો મંત્ર શબ્દ છે. ‘નિસ્સીહી’ એટલે મારા બધાં જ બાહ્મ ભાવો નિવૃત થઈ જાઓ, નિસ્સીહીનું ઉચ્ચારણ બાહ્મ પ્રવૃત્તિઓની સાથે કોઈ પણ પ્રકારના વળગણ થયાં હોય, કોઇ negative energy આવી ગઇ હોય તો તેનાથી પણ નિવૃત કરાવે છે.
આ સમાચારી અહમ્ ને ઓગાળવાની પ્રોસેસ છે. નિસ્સીહી શબ્દ દ્વારા નિવૃતિ અને પ્રવૃતિ બંનેની જાણ થાય. જે આવશ્યક કાર્ય માટે બહાર ગયાં હતાં તે કાર્ય પૂર્ણ થતાં, તે કાર્યથી નિવૃત થયાં છો અને હવે ગુરુઆજ્ઞા પ્રમાણે અન્ય કાર્યમાં પ્રવૃત થવાનું છે.
જે શિષ્ય ઉત્કૃષ્ટ શ્રધ્ધા અને અંતરના અહોભાવથી આવસ્સહી અને નિસ્સીહી બોલે છે તે એવા શુભ અને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ કરે છે જેનાથી ભવિષ્યમાં તરત જ સદ્ગુરુનો યોગ થઇ જાય છે. સદ્ગુરુનું સાંનિધ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે શુભનામ કર્મ અને શુભ ગોત્ર કર્મનો ઉદય હોય. શુભનામ કર્મ અને શુભ ગોત્ર કર્મ ત્યારે જ બંધાય છે જ્યારે વ્યક્તિમાં સરળતા, ૠજુતા અને વિનીતતા હોય છે.
નિસ્સીહી સમાચારી સદ્ગુરુ શરણભાવ અને સમર્પણભાવ સાથે, સમાચારીના નિયંત્રણમાં હોવાનો અનેરો અહેસાસ કરાવે છે. આવસ્સીહી અને નિસ્સીહી, આ બંને સમાચારી શિષ્યોને આવશ્યક કાર્ય વિના ધર્મસ્થાનકની બહાર જવું નહીં, તેવું સૂચન કરી પોતાની જવાબદારી સમજાવે છે.
॥आपुच्छणा सयंकरणे॥
- આપુચ્છણાઃ
વિનિત શિષ્ય પોતાનું દરેક કાર્ય અને દરેક પ્રવૃતિ કરતાં પહેલાં ગુરુની આજ્ઞા લે છે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં ગુરુની આજ્ઞા લેવી અને ગુરુને પૂછવું કે, ‘ગુરુદેવ! હું અત્યારે આ કાર્ય કરું?’ આ પ્રમાણે પૂછવું તે આપુચ્છણા સમાચારી કહેવાય છે.
ઘણા શિષ્યોને વિચાર આવે, શું દરેક નાના-નાની વાતમાં પૂછવાનું હોય કે, ‘હું અત્યારે સ્વાધ્યાય કરું?’ હું આજે ગૌચરી માટે જાઉ?’ ‘હું શ્રાવકોને દર્શન દેવા જાઉ?’, પણ જ્યારે કોઇ શિષ્ય દરેક કાર્ય ગુરુને પૂછીને કરે છે, ત્યારે તેના દરેક કાર્યની જવાબદારી ગુરુની થઇ જાય છે, તેનું કાર્ય સહજ રીતે સફળ પાડવું એ ગુરુનું કર્તવ્ય બની જાય છે.
માનો કે, કોઇ શિષ્ય ગુરુને પૂછે છે, ‘ગુરુદેવ! હું અત્યારે સાધના કરું?’ જો એના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ યોગ્ય હોય અને ગુરુ સંમતિ આપે, અને શિષ્ય સાધના કરવા બેસે તો એને શું પ્રાપ્ત થાય?
ગુરુકૃપાથી એનું મન સાધનામાં સ્થિર થાય, ગુરુના શુભ vibrations પ્રાપ્ત થવાથી એની સાધના પુષ્ટ થાય અને એની સાધના એને સમ્ય્કરૂપે પરિણમે. જો ગુરુની આજ્ઞા ન લીધી હોય, ગુરુને પૂછયું ન હોય તો ગુરુને જાણ ન હોવાથી ગુરુ એને કોઇપણ પ્રકારે સહાયક કેવી રીતે બની શકે?
જે શિષ્ય ગુરુને પૂછીને ગૌચરી કે પાણી અર્થે બહાર જાય છે, ત્યારે પણ ગુરુની અદૃશ્ય દૃષ્ટિ સહાય તેના ઉપર હોય છે કે, એ કયાંય પડી ન જાય, એેને કોઇ તકલીફ ન આવે! કદાચ કોઇના અશુભ કર્મોનો ઉદય આવી જાય અને તેના કર્મો નિધ્ધત હોય તો સદ્ગુરુના સત્ નિમિત્તથી તેના કર્મોનું સંક્રમણ પણ થઇ જાય છે.
જે ગુરુ દીક્ષાના દાન આપે છે, તે શિષ્યના સાધુજીવનની, એના સંયમભાવમાં સ્થિરતાની જવાબદારી ગુરુની થઇ જાય છે અને જે શિષ્ય ગુરુને સમર્પિત થઇ જાય છે, તે શિષ્ય નિશ્ચિંત થઇ જાય છે. તેનું ગુરુ સાથેનું connection strong થઇ જાય ત્યારે તેને સમાચારીનું પાલન કરવું નથી પડતું, થઇ જાય છે. તેના ચહેરા પર સંયમનું તેજ અને સમાચારી પાલનાની પ્રસન્નતા હોય છે.
ગુરુને પૂછીને કરવામાં બીજો લાભ એ થાય છે કે તમે યોગ્ય સમય, શુભ યોગમાં યોગ્ય કાર્ય કરી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. કેમકે ગુરુને જ જ્ઞાન હોય છે કે, અત્યારે કયા ગ્રહો અને કયા નક્ષત્ર છે અને કયા નક્ષત્રમાં કયું કાર્ય કરવું જોઇએ?
માનો કે, જ્ઞાનવૃધ્ધિના નક્ષત્ર હોય અને એ સમયે તમે સ્વાધ્યાય અને જ્ઞાન આરાધના કરવાના બદલે વસ્ત્ર પ્રક્ષાલન કરો તો તમે કેટલું બધું ગુમાવો!! જો ગુરુને પૂછીને જ કરવાનો નિયમ હોય તો?? તો ગુરુદેવ તરત જ કહેશે, અત્યારે વસ્ત્ર પ્રક્ષાલન નહીં, સ્વાધ્યાય કરો! જ્ઞાનવૃધ્ધિના નક્ષત્રમાં સ્વાધ્યાય કરવાથી memory power strong થાય છે, યાદશક્તિ તીવ્ર થાય છે અને જે ગાથાનો સ્વાધ્યાય કરતાં હો તે સહજતાથી કઠંસ્થ અને હૃદયસ્થ થઇ જાય છે.
દરેક નાનામાં નાની વસ્તુ પણ ગુરુને પૂછીને કરવાવાળા શિષ્યના અહમ્નું તો વિસર્જન જ થઇ જાય છે અને અહમ્થી નિવૃત થવા પર શુભ નામ અને શુભ ગોત્રનો બંધ થાય છે.
આપુચ્છણા સમાચારીનું પાલન કરવાવાળી વ્યક્તિ ઉચ્ચ પદની પ્રાપ્તિ કરે છે અને ભવિષ્યમાં ક્યારેય દાસ કે નોકર બને એવા અશુભ કર્મોનો ક્ષય કરે છે. આપુચ્છણા સમાચારી શિષ્ય હૃદયમાં નમ્રતા, સરળતા, નિઃસ્વાર્થતા અને નિખાલસતાનું પ્રાગ્ટય કરાવતી process છે.
॥ परकरणे पडिपुच्छणा ॥
- પડિપુચ્છણા:
શિષ્ય જ્યારે પોતાના આવશ્યક કાર્ય માટે બહાર જતાં હોય ત્યારે તો તે ગુરુની આજ્ઞા લઈને જ જાય, પણ એ સમયે અન્ય કોઈ સાધુ કે સાધ્વી કહે કે, તમે જાઓ છો તો મારું આ કાર્ય પણ કરતા આવશો? તો તે સંબંધમાં પણ શિષ્યએ ગુરુને જણાવવાનું હોય છે કે, આ મુનિએ મને આ કાર્ય કરી આવવાનું કહ્યું છે, હું એમનું કાર્ય કરીને આવું? સ્વયંના કાર્ય સાથે અન્યના કાર્ય માટે ગુરુની આજ્ઞા લેવી એ ‘પડિપુચ્છણા સમાચારી’ કહેવાય છે.
માનો કે, તમે ગૌચરી માટે જઈ રહ્યાં છો ત્યારે અન્ય સાધુ કહે છે કે મારા માટે થોડું ઘી વ્હોરાવી લાવજો. એ સાધુ માટે ઘી યોગ્ય છે કે નહીં તે તમને ખબર ન હોય પણ ગુરુ જાણતા હોય કે અત્યારે તેમના આરોગ્ય માટે ઘી યોગ્ય છે કે નહીં, એટલે પૂછવાથી ગુરુ યોગ્ય હોય તો આજ્ઞા આપે, નહીં તો ના પાડે!!
ક્યારેક એવું પણ બને કોઈ સાધુનું તમે કામ કરી આપો, તો એમના મનમાં તમારા માટે વિશેષ લાગણીનો ભાવ જન્મે, એમના મનમાં થાય કે, જો આ મુનિ કેટલાં સારા છે, મારું કાર્ય કરી આપે છે, એટલે તમારા પ્રત્યે soft corner થઈ જાય.
વાસ્તવિક્તામાં સાધુજીવન એ balanced જીવન હોય, એમનાં મનમાં ન કોઈ પ્રત્યે soft corner હોય, ન કોઈ પ્રત્યે hard corner હોય, સર્વ પ્રત્યે સમભાવ હોય, ન કોઈ મારા, ન કોઈ પરાયા!
દરેક સમાચારીનું પોતાનું મહત્ત્વ હોય છે અને દરેક સમાચારી ગુણ વૃધ્ધિકર હોય છે. પડિપુચ્છણા સમાચારીથી સાધકના વિનયગુણમાં વૃધ્ધિ થાય છે અને સ્વચ્છંદતાનો નિરોધ થાય છે.
॥ छन्दणा दव्वजाएणं ॥
- છંદણા:
સાધુ સમુદાયનો એક નિયમ હોય છે તેઓ ક્યારેય કોઈ પણ વસ્તુ કે પદાર્થનો ઉપયોગ એકલા ન કરી શકે, પોતાને પ્રાપ્ત પદાર્થ, વસ્તુ કે આહાર આદિ પ્રથમ ગુરુને બતાવે અને પછી સહવર્તીઓને નિમંત્રણ આપે કે, જુઓ! આજે પરમાત્માની કૃપાથી આ આહાર પ્રાપ્ત થયો છે, આપ પણ આ આહારને ગ્રહણ કરો, આપ સ્વીકાર કરશો તો હું ધન્ય બનીશ.
આ પ્રમાણે વિનયપૂર્વક સહવર્તીઓને નિમંત્રણ આપવું એ છે ‘છંદણા સમાચારી’! પોતાના ભાગમાં સહુ માટે વિભાગ કરવો તેને શાસ્ત્રની ભાષામાં ‘સંવિભાગ’ કહેવાય છે. સંવિભાગ એટલે મારા સુખમાં સહુનો ભાગ.
વ્યક્તિ જ્યારે સ્વયંના સુખમાં અન્યને ભાગીદાર બનાવે છે ત્યારે તેની સુખ ભોગવવાની સ્પીડ ઘટી જાય છે, તેની સુખ પ્રત્યેની આસક્તિ ઓછી થઈ જાય છે, સુખ જ્યારે વ્હેંચાય છે ત્યારે સ્નેહભાવ અને મૈત્રીભાવમાં વૃધ્ધિ થાય છે, સમુદાયની strength વધે છે.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક વિચારતાં હોય છે, હું બીજાને આપી દઈશ તો હું શું ખાઈશ? એક વિચારતાં હોય છે, હું બધું ખાઈશ તો હું બીજાને આપીશ શું? જેને આપતાં આવડે છે તેને વગર માંગ્યે બધું મળી જાય છે. જેને અન્યને આપવામાં રસ નથી, તેને આપવામાં કોઈને રસ હોતો નથી. જેને અન્યને આપવામાં રસ હોય છે તેને આપવામાં બધાંને રસ હોય છે.
સાધુમાં સિંહની જેવી વૃત્તિ હોય. જગતના મોટા ભાગના પ્રાણીઓ પોતાને પ્રાપ્ત આહાર એકલાં જ વાપરતાં હોય છે એક માત્ર સિંહ ક્યારેય પોતાને પ્રાપ્ત આહાર એકલો ન વાપરે એ હંમેશાં એના પરિવાર સાથે વિભાગ કરીને જ ખાય છે. સંવિભાગ અપરિગ્રહ વ્રતના ભાવોની વૃધ્ધિ કરાવે છે.
છંદણા સમાચારી એ જ શીખવે છે, તમારી પાસે જે કાંઈ પણ છે તે માટે બધાંને નિમંત્રણ આપો, બધાં સાથે ભેગા મળીને વાપરો, પછી એ કોઈ પદાર્થ હોય, વસ્તુઓ હોય, આહાર હોય કે તમારી પાસે જે જ્ઞાન હોય, કલા હોય તે પણ બધાંને આપો, એમાં પણ સંવિભાગ કરો. છંદણા સમાચારી અનેક પ્રકારના ગુણોનું પ્રાગ્ટય કરાવે છે. વિચારધારાને વિશાળ બનાવે છે, અધિકાર વૃત્તિનું મૃત્યુ કરાવે છે, લોભવૃત્તિનો નાશ કરે છે, અપરિગ્રહ ભાવોને દૃઢ બનાવે છે. છંદણા સમાચારીથી વિપુલતાની વૃધ્ધિ થવાથી સહવર્તી સાધુ-સાધ્વીજી પ્રત્યે ઉદારતા અને નિઃસ્વાર્થતાના ભાવોની પુષ્ટિ થાય છે.
॥ इच्छाकारो य सारणे ॥
- ઈચ્છાકાર:
સમુદાયમાં રહેતાં કોઈ પણ સાધુ પોતાનાથી નાના કે મોટા કોઈ પણ સાધુ પાસે હક યા અધિકાર ભાવથી કોઈ કાર્ય કરાવી ન શકે, એમણે પહેલાં સામેવાળા સાધુની ઈચ્છાને જાણવી જોઈએ. ‘આપની ઈચ્છા અને અનુકૂળતા હોય તો આપ મારું આ કાર્ય કરી આપશો?’ આ પ્રમાણે વિનયયુક્ત વચનો દ્વારા પૃચ્છા કરવી એ ‘ઈચ્છાકાર સમાચારી’ કહેવાય છે.
‘ગુરુદેવ! આજે ચાર વાગે વાંચણી છે ને?’ એક શિષ્ય ક્યારેય ગુરુને આ પ્રકારે પ્રશ્ન પૂછી ન શકે. શિષ્યે પોતાની અનુકૂળતા અને ઈચ્છાને ગૌણ કરી, ગુરુની અનુકૂળતા અને ગુરુના ભાવને જાણવા જોઈએ. ગુરુને બે હાથ જોડી, વિનમ્રભાવે વિનંતી કરવી જોઈએ, ‘ગુરુદેવ! આપની અનુકૂળતા હોય તો આપ અમને શ્રી આચારંગ સૂત્રની વાંચના ફરમાવશો?’ વિનયભાવે ગુરુના ભાવો અને અભિપ્રાયોને જાણવા અને એના આધારે વિનંતી કરવી એ ‘ઈચ્છાકાર સમાચારી’ કહેવાય છે.
એક બાળક એની ‘મા’ પાસે ગમે ત્યારે, ગમે તે વસ્તુ માંગી શકે છે પણ સંયમ જીવનમાં એક શિષ્યબાળ એમની ‘ગુરુમા’ પાસે ક્યારેય આ પ્રકારનો હક ન કરી શકે, કારણ કે હક એ મમત્ત્વનું સર્જન છે. જ્યાં સમર્પણતા હોય ત્યાં હક કે અધિકારભાવ ન હોય. જ્યાં અર્પણતા હોય ત્યાં સ્વયંની કોઈ ઈચ્છા ન હોય. જ્યારે હકવૃતિ જાગૃત થાય છે ત્યારે અધિકારભાવ દૃઢ થાય છે. આજનો અધિકાર આવતી કાલે ધિક્કારમાં પરિવર્તિત થઈ શકે છે.
સમુદાયમાં ક્યારેય પોતાની ઈચ્છાની પુષ્ટિ ન હોય, અન્યની ઈચ્છાનુસાર સ્વયંની ઈચ્છા હોય! ઈચ્છાકાર સમાચારીથી અધિકારભાવનો ક્ષય થવાથી સહવર્તીઓમાં પરસ્પર સંપ, સ્નેહ અને સંગઠનની વૃધ્ધિ થાય છે.
॥ मिच्छाकारो य णिंदाए ॥
- મિચ્છાકાર
સંયમ જીવનમાં પલ-પલ જાગૃતિ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જાણતા કે અજાણતા ભૂલો થવાની અને પાપદોષ લાગવાની સંભાવના હોય છે, એ ભૂલો ફરી repeat ન થાય, એ ભૂલોને સુધારી શકાય અને એ ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકાય એ ભાવ સાથે ગુરુ સમક્ષ એ ભૂલોને દર્શાવી એનું ‘મિચ્છામિ દુક્કઙમ્’ કરવું, તેને મિચ્છાકાર સમાચારી કહેવાય છે.
મિચ્છાકાર સમાચારીની પાલનાથી પોતાની ભૂલો અને દોષો પ્રત્યે ‘સ્વનિંદા’ ના ભાવ પ્રગટ થાય છે, પોતાના દોષો પ્રત્યે ગર્હા થાય છે, જેનાથી એક તરફ alertness આવે છે તો એક તરફ આત્મશુધ્ધિ પણ થાય છે.
મિચ્છાકાર સમાચારી અંતઃગત સમૂહમાં ઉભયકાળ પ્રતિક્રમણ ર્ક્યા પછી ગુરુ અથવા ગુરુણીની સમક્ષ બે હાથ જોડી, મસ્તક નમાવી, વિનયભાવે પ્રગટ કરવું જોઈએ કે, ‘ગુરુદેવ! આજે આ સમયે મારાથી ઉઘાડા મુખે બોલાઈ ગયું છે, આજે મારાથી દરવાજો બંધ કરતી વખતે સાવધાની ન રહેવાના કારણે નાનકડા વાંદાની હિંસા થઈ ગઈ છે, આજ મારાથી વનસ્પતિકાયના જીવની હિંસા થઈ છે, આજે મારા પગ નીચે એક કીડી ચગદાઈ ગઈ છે. ગુરુદેવ! આજે ગૌચરીમાં જેમના ઘરે ગયો, તેમણે કહ્યું કે, મને આપના પ્રવચનો સાંભળવા બહુ ગમે છે.’ એટલે ક્યાંક ગમો કે અણગમો થાય તે પણ ગુરુ સમક્ષ કબૂલ કરવું જોઈએ. મનમાં પણ કોઈ એવા ભાવ ઉઠયા હોય તો તે પણ ગુરુને જણાવવા જોઈએ. જેમકે, સંયમ પહેલાં cycle ચલાવવી કે cricket રમવું બહુ ગમતું હોય અને અત્યારે કોઈને cycle ચલાવતાં કે cricket રમતાં જોઈ મન થઈ ગયું હોય!
મન, વચન અને કાયાથી જે કાંઈ ભૂલ-દોષ થયા હોય તેને ગુરુ સમક્ષ વ્યક્ત કરી પ્રાયશ્ચિત લેવું એ છે મિચ્છાકારી સમાચારી. ગુરુ સમક્ષ ભૂલો કબૂલ કરવાથી શું થાય? ભૂલો જ્યારે ગુરુ સમક્ષ પ્રગટ કરવામાં આવે છે, ત્યારે ગુરુ તે ભૂલોના આધારે પ્રાયશ્ચિત રૂપે કોઈ પણ પ્રકારનું તપ કરવાનું કહે છે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરાવે છે. ગુરુ જે દોષો સ્વયંથી દૂર ન થતાં હોય તે દોષોને યથા પ્રકારની પ્રેરણા કરી દોષોની શુધ્ધિ કરાવે છે. મનમાં પડેલી cycle, cricket જેવી સ્મૃતિઓને delete કરવા, ગુરુ એના ઉપર overwrite કરવા બીજી ગુણ સ્મૃતિઓ આપે છે.
શિષ્યને અવગુણોથી, નિમિત્તોથી અને ભૂતકાળની સ્મૃતિઓ દૂર રાખવા અને દૂર કરવા એ ગુરુની જવાબદારી હોય છે, જેના દ્વારા ગુરુ શિષ્યના આત્માની શુધ્ધિ કરાવે છે. દોષોની નિંદા અને આલોચના કરવાથી કર્મોથી નિર્જરા થાય છે અને એક પ્રકારની હળવાશનો અનુભવ થાય છે.
સ્વયંથી થયેલા પાપ-દોષો અને ભૂલોને ગુરુ ચરણમાં અર્પણ કરી, પસ્તાવાના ભાવ સાથે પ્રાયશ્ચિત લઈ આત્માને શુધ્ધ કરવા હોય છે મિચ્છાકારી સમાચારી!
॥ तहक्कारो पडिस्सुए ॥
- તહક્કાર:
શિષ્ય માટે ગુરુના વચનો અમૃત વચનો હોય છે. ગુરુના વચનોને સત્યવચન રૂપે સ્વીકારવા એ શિષ્યનું નૈતિક કર્તવ્ય હોય છે. ગુરુ જ્યારે આગમ-વાંચના આપે, કોઈ આદેશ કે ઉપદેશ આપે, કોઈ પ્રશ્નનું સમાધાન આપે, કોઈ સમજ આપે અથવા વ્યક્તિગત કોઈ બોધવચન કે આજ્ઞા આપે ત્યારે ‘આપ જે કહો છો તે સત્ય છે’, એ ભાવ સાથે ગુરુવચનોનો, ગુરુની વાણીનો ‘તહત્તિ’ કહીને સ્વીકાર કરવો એ છે ‘તહક્કાર સમાચારી’.
‘તહત્તિ’ એ જૈન આગમ શાસ્ત્રનો શબ્દ છે. આ શબ્દનું ઉચ્ચારણ ગુરુ પ્રત્યેનો આદર અને ગુરુ મહિમાનું સૂચન કરે છે. ગુરુ કે અન્ય રત્નાધિક સાધુ કે સાધ્વીજીના મુખ પર શિષ્યનું નામ આવે કે તરત જ શિષ્ય એ ‘જી’ કહી, ઊભા થઈ, ગુરુ કે રત્નાધિકની સાડાત્રણ ફૂટની અવગ્રહ ભૂમિમાં પ્રવેશ કરી, બે હાથ જોડી, વિનયપૂર્વક ગુરુ આજ્ઞાની પ્રતિક્ષા કરવી જોઈએ અને આજ્ઞા મળતાં જ ‘તહત્તિ’ કહી પૂર્ણ પણે સ્વીકાર કરવો જોઈએ. આવા પ્રકારના વિનયને ‘તહક્કાર સમાચારી’ કહેવાય છે.
એ સમયે જેટલો વિનયભાવ ઉત્કૃષ્ટ તેટલાં અશુભકર્મોનો ક્ષય થઈ જાય. ગુરુ કે રત્નાધિકના વચનો પ્રત્યે કોઈ શંકા કે વિકલ્પ ન હોવા જોઈએ, કોઈ argument ન થવી જોઈએ, માત્ર એક જ ભાવ, ‘આપના વચન સત્ય વચન છે, આપ જે કહો છો તે સત્ય છે, તે સ્વીકાર્ય છે.’
તહક્કાર સમાચારીની પાલનાથી પ્રગટ થતી નિશંક અને નિર્વિકલ્પ સદ્ભાવના શિષ્યના આત્મિક વિકાસનું પરિબળ બને છે.
॥ अब्भुट्ठाणं गुरुपूया ॥
- અભ્યુત્થાન:
ગુરુ, આચાર્ય કે કોઈપણ વડીલ સાધુ-સાધ્વીજી પધારે ત્યારે ઊભા થઈ, સામે જઈ એમનો સત્કાર કરવો એ શિષ્ટાચાર છે. આચાર્ય, ગુરુ કે વડીલ સાધુ-સાધ્વીજીને આવતા જોઈને, પોતાની પાટ કે આસન પરથી ઊભા થઈને, થોડાં પગલાં આગળ જઈને, એમને ‘પધારો’ કહીને, ભાવથી એમનું સ્વાગત અને સત્કાર કરવો એ છે ‘અભ્યુત્થાન સમાચારી’. અભ્યુત્થાન સમાચારી વડીલો પ્રત્યેની પૂજ્યતાના ભાવ પ્રગટાવે છે. પૂજ્યતા સાથેનો વિનય આંતરિક શુધ્ધિકરણનું કારણ બની જાય છે.
પ્રવૃતિ તો આચરણથી કે શિક્ષણથી બદલી શકાય છે, પણ વૃતિને સુધારવા માટે તો એક જ ઉપાય છે વિનય! અભ્યુત્થાન સમાચારી શિષ્ય હૃદયમાં ઉત્કૃષ્ટ વિનયભાવ પ્રગટાવે છે. માટે જ, અભ્યુત્થાન સમાચારીને વિનય સમાચારી પણ કહી શકાય છે. આગમમાં વાત આવે છે મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકરાજાને પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય પૂજયભાવ, અનન્ય અહોભાવ અને ઉત્કૃષ્ટ ભક્તિભાવ હતાં.
જે સમયે એમને સમાચાર મળ્યાં કે ભગવાન મહાવીર તેમની નગરી તરફ પધારી રહ્યાં છે, એ તરત જ રાજસિંહાસન પરથી નીચે ઊતરી, પગના પગરખાં અને અંગ ઉપરના આભૂષણો ઊતારી, ઈશાન ખૂણામાં જઈ, નમોત્થુણંની મુદ્રામાં બેસી ભાવપૂર્વક ભગવાનને વંદના કરે છે અને મનોમન ભાવથી પ્રભુને કહે છે, ‘હે મારા પ્રભુ! આપ જ્યાં પણ બિરાજમાન હશો, આપ સુખશાતામાં હશો. પ્રભુ! ક્યારે મને આપના દિવ્યદર્શનની પાવન ક્ષણ પ્રાપ્ત થાય એની હું આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરું છું.’
કેવો ઉત્કૃષ્ટ વિનય!! હજુ તો પ્રભુના દર્શન પણ નથી થયાં, માત્ર પ્રભુ પધારી રહ્યાં છે, એના સમાચાર જ સાંભળ્યાં છે અને સાંભળતાં જ રાજસિંહાસન પરથી ઉતરી, આભૂષણ ઉતારી વંદના કરે છે!!
‘અભ્યુત્થાન સમાચારીમાં સમવિષ્ટ વિનય ગુરુ અને પરમાત્મા પ્રત્યેના ભાવને વધારે છે અને ગુરુ, પરમાત્માના પ્રભાવને પણ વધારે છે. આ એવી સમાચારી છે, જે ગુરુ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે.
॥ अच्छणे उवसंपया ॥
- ઉપસંપદા:
સંપદા એટલે સાંનિધ્ય અને ઉપસંપદા એટલે અન્યનું સાંનિધ્ય! ગુરુની આજ્ઞાથી અન્ય વડીલ કે જ્ઞાની સાધુ / સાધ્વીજીના સાંનિધ્યમાં રહીને વિચરણ કરવું અથવા એમના સાંનિધ્યમાં રહી વિશેષ શાસ્ત્રોનું અધ્યયન કરવું એ છે ઉપસંપદા સમાચારી!
એક ગુરુના 500-1000 શિષ્યો હોય અને સમય અને સંજોગો પ્રમાણે કદાચ બધાં એક સાથે ન રહી શકે, તે સમયે ગુરુ બધાંના અલગ-અલગ group બનાવે અને એ group માં જે head હોય, તેમની આજ્ઞામાં બીજા શિષ્યો રહે, તે ઉપસંપદા સમાચારી કહેવાય છે.
ગુરુ આજ્ઞાથી ગચ્છના અન્ય કોઈ પણ સાધુ/ સાધ્વીજી સાથે રહેવું અને વિશેષ પરિસ્થિતિમાં ગુરુ આજ્ઞાથી અન્ય ગચ્છના સાધુ / સાધ્વીજી સાથે રહેવું તે પણ ઉપસંપદા છે, અર્થાત્ ગુરુની આજ્ઞાથી ગુરુના સાંનિધ્ય સિવાય અન્યના સાંનિધ્યને સ્વીકારવું તેને ઉપસંપદા સમાચારી કહેવાય છે.
એક સમય હતો, જ્યારે તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબ સૌરાષ્ટ્રમાં આચાર્ય પૂજ્ય શ્રી દેવજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં સંયમ અને તપની સાધના કરી રહ્યાં હતાં. એ જ સમયે રાજસ્થાનમાં બિરાજમાન પૂજ્ય શ્રી ફકીરચંદ્રજી મહારાજ સાહેબ વૃધ્ધવસ્થાએ પહોંચ્યા હોવાથી સ્વયંના જ્ઞાન, ધ્યાન, મંત્રશક્તિ આદિને કોઈ સુપાત્ર સંતમાં પ્રસ્થાપિત કરવાની ભાવના રાખતાં હતાં, કોઈ સુપાત્ર યોગ્ય સંતને અર્પણ કરવા ઈચ્છતા હતાં અને એમને સંકેત થયો કે સૌરાષ્ટ્રમાં વિચરતાં એક સંત આ જ્ઞાન પ્રાપ્તિને માટે સુયોગ્ય છે.
પૂજ્ય શ્રી ફકીરચંદ્રજી મ.સા.ની આજ્ઞાથી રાજસ્થાનના શ્રાવકો સૌરાષ્ટ્રમાં જ્યાં આચાર્ય પૂજ્ય શ્રી દેવજી મહારાજ સાહેબ બિરાજમાન હતાં, એમની પાસે આવ્યાં અને પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા.ને રાજસ્થાન મોકલવાની વિનંતી કરી. પૂજ્ય ગુરુદેવશ્રી દેવજી મહારાજ સાહેબની આજ્ઞાથી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબ રાજસ્થાન પધાર્યાં અને એમના સાંનિધ્યમાં બે વર્ષ માટે જ્ઞાનાભ્યાસ અર્થે રહ્યાં અને પછી ફરી પાછા પોતાના ગુરુદેવ પાસે પધારી ગયાં. આને કહેવાય પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા.એ પૂજ્ય શ્રી ફકીરચંદ્રજી મ.સા. ની ઉપસંપદા સ્વીકારી.
આ રીતે કોઈપણ સાધુ-સાધ્વીજી કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય વડીલ અને વિશેષ જ્ઞાની સંત-સતીજીની ઉપસંપદા સ્વીકારી કાર્ય પૂર્ણ થતાં પુનઃસ્વયંના સદ્ગુરુના સાંનિધ્યમાં પધારી જાય છે.

Subscribe to Whatsapp Broad cast