Explore Themes

મુંબઇમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25th પુણ્ય સ્મૃતિનો અવસર ઉજવાયો

images
Language : Gujarati

મુંબઇમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25th પુણ્ય સ્મૃતિનો અવસર ઉજવાયો
સમસ્ત ઘાટકોપરના 999થી વધુ ભાવિકોએ આયંબિલ આરાધના કરી
તપસમ્રાટ ગુરુદેવના જીવન આધારિત અદભૂત નાટીકા ‘મહાપુરુષ’ સહુ માટે બની હૃદયસ્પર્શી

 

સીડી બનીને શિષ્યનો ભાર પોતાના માથે લઈને ઊંચે લઈ જાય તે ગુરુ હોય.
ગુરુની આકૃતિ પાસે જનારા અનેક હોય પણ ગુરુના આત્મા સાથે જોડાઈ જનારા બહુ ઓછા હોય.
– રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

25 – 25 વર્ષની વિદાય પછી આજે પણ હજારોના હૃદયમાં શ્રદ્ધાપાત્ર સ્વરૂપે જીવંત બની રહેલાં ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25th પુણ્ય સ્મૃતિનો અવસર પારસધામ ઘાટકોપર ખાતે અત્યંત ભક્તિભાવે તપત્યાગથી ઉજવાયો હતો.
પરમ ગુરુદેવના સાંનિધ્યે તેમજ વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ, ડો. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી ઊર્મિબાઈ મહાસતીજી – પૂજ્ય શ્રી ઊર્મિલાબાઈ મહાસતીજી, આદિ સાધ્વીવૃંદની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે બહોળી સંખ્યામાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમજ લાઈવના માધ્યમે દેશ-વિદેશના ભાવિકો તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવની અર્પણતા કરી ધન્ય બન્યા હતા.
વિદાયના આટલા વર્ષો બાદ પણ તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવની કૃપા સાંનિધ્યની અનુભૂતિ કરી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે પોતાના અંતરની ભક્તિભાવના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુરુ ચરણમાં નિષ્કામ સમર્પણતા કરનારા શિષ્ય શુદ્ધ અને શુદ્ધથી સિદ્ધ બન્યાં વિના ન રહે. ગુરુ એક એવી સીડી સમાન હોય જે શિષ્યનો ભાર પોતાના માથે લઈને એને ઊંચે પહોંચાડી દેતાં હોય.
વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વિરમતીબાઈ મહાસતીજી, પૂજ્ય શ્રી સુનીતાબાઇ મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી ઉર્મિલાબાઈ મહાસતીજીએ તપસમ્રાટ ગુરુદેવના ગુણોની સમૃદ્ધિની અભિવ્યક્તિ કરીને એમની પ્રત્યે સમર્પણતાભાવ – શ્રદ્ધાભાવની અર્પણતા કરી હતી. ગોંડલથી વિશેષભાવો સાથે આ અવસરે પધારેલા ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારીએ સુંદર ભાવ અભિવ્યક્તિ સાથે તપસમ્રાટ ગુરુદેવના ગુણોનું સંસ્મરણ કર્યું હતું.
વિશેષમાં પોતાના દીર્ઘકાળના સંયમ જીવન દરમિયાન અનેકવિધ કઠોર તપસ્યા સાથે નિરંતર 999 આયંબિલ તપની આરાધના કરનાર તપસમ્રાટ ગુરુદેવને સમસ્ત ઘાટકોપરના 999થી વધુ ભાવિકોએ આયંબિલ તપ આરાધનાની ભેટ અર્પણ કરી ગુરુભક્તિના અનન્ય દર્શન કરાવ્યાં હતાં. નાની ઉંમરમાં જ બાળકોને તપના સંસ્કારોથી સંસ્કારિત કરવા પારસધામમાં વિશિષ્ટ પ્રકારના આયંબિલના આહાર સાથેની kids આયંબિલ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક બાળકો જોડાયાં હતાં. આયંબિલ આરાધના કરનાર ભાવિકોનો સમગ્ર લાભ માતુશ્રી મંજુલાબેન મનસુખલાલ દોશી પરિવાર, માતુશ્રી નયનાબેન મહેશભાઈ રૂપાણી પરિવાર તેમજ શ્રી મુકેશભાઇ કામદાર, શ્રી શ્રેણિકભાઈ ગાંધી, શ્રી રશ્મિકાંતભાઈ દેસાઇ, શ્રી લાખાણી પરિવારે સહયોગી બની લાભ લીધેલ. ઉપરાંતમાં 1 અઠવાડિયાથી આયંબિલ આહારની અજૈન લોકોને પ્રેરણા આપતાં “પરમ સાત્વિક-ધ નોન મસાલા હાઉસ ” નો ફૂડ ટ્રક ઘાટકોપરના અનેક ક્ષેત્રોમાં લઈ જઈ AYSGના યુવાનો દ્વારા અનેક youngstersને આયંબિલ તપની પ્રેરણા કરવામાં આવી રહી છે.
તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવની વિદાય ક્ષણોની સ્મૃતિ સ્વરૂપ બપોરના સમયે “તપસ્વી ગુરુ શરણં મમ – સકલ વિઘ્ન હરણં મમ”ની જપ સાધના અને સ્મરણ ભક્તિમાં ભાવિકો શ્રદ્ધાભાવે લીન- તલ્લીન બન્યાં હતાં. સાંજના સમયે તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવના ગુણસમૃદ્ધ જીવન આધારિત અદભુત નાટિકા “મહાપુરુષ”ની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ સહુના હૃદયમાં ગુરુભક્તિની અનોખી સંવેદના જાગૃત કરી ગઈ હતી. આમ આ અવસર સહુ ભાવિકો માટે ત્યાગ અને ભક્તિભાવનાની પ્રેરણાનો અવસર બન્યો હતો. આગામી દિવસોમાં આવી રહેલા દરેક આયોજનમાં સહુને જોડાઈ જવા શ્રી સંઘ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208