"I want to inculcate every bodh vachan of Prabhu in me till the day I reach the doors of ‘Moksh’."

એક સુવર્ણ ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. 200 વર્ષ પહેલાં, ગોંડલ સંપ્રદાયના સંસ્થાપક આચાર્યદેવ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબે એમના રત્નકુક્ષિણી માતા સાથે દીક્ષા અંગિકાર કરી હતી. અને આજે, ફરી એક વાર, એક મુમુક્ષુ માતા અને એના મુમુક્ષુ પુત્રની જોડી એક સાથે સંયમ અંગિકાર કરવા જઈ રહ્યાં છે – મુમુક્ષુ શ્રી નિશાબેન દોશી અને મુમુક્ષુ શ્રી ભવ્યભાઈ દોશી.
હર એક માતા-પિતાના હ્રદયમાં એક સ્વપ્ન હોય – કે મારું સંતાન ખૂબ આગળ વધે અને વિશ્વની બધી જ સફળતા પ્રાપ્ત કરે. પરંતુ જે ઉત્ક્રૃષ્ટ પુણ્યવાન આત્મા હોય, એને જ એવી માતાનો યોગ થાય જે એને સુખ પ્રાપ્તિની નહીં, પણ સત્ય પ્રાપ્તિની પ્રેરણા આપે અને આત્મકલ્યાણની દિશા બતાવે.
આકોલાના નિવાસી, મુમુક્ષુ શ્રી નિશાબેન એટલે એક એવા સુશ્રાવિકા જેમણે જીવનભર સાધુ-સાધ્વીજીની ઉત્ક્રૃષ્ટ સેવા અને વૈયાવચ્ચ કરી. મૂળ દેરાવાસી પરિવારના હોવા છતાં પણ, કોઈપણ ભેદભાવ વગર, સર્વ પંચ મહાવ્રતધારી સંયમી આત્માઓ પ્રત્યે એમના અંતરમાં એક અનન્ય ભક્તિભાવ હતો. 2007 ના વર્ષમાં એમને ગુરુણિમૈયા વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતિબાઈ મહાસતીજીનો યોગ થયો, અને જાણે એમના જીવનની દશા અને દિશા આખી બદલાઈ ગઈ.
બહુ જ નાની વયથી, તેઓ પોતાના બંને સંતાનોને એક જ પ્રેરણા આપતા, “બેટા! મેં તો સંસાર શરુ કરીને મોટી ભૂલ કરી છે. પણ તમે આ ભૂલ ન કરતાં! પ્રભુનો માર્ગ જ સાચો છે. એ જ સાર છે… સંસાર અસાર છે.” સંસારમાં સુખ અને સમૃધ્ધિનો કોઈ પાર ન હતો, અને સ્વજન સાથેની સદ્ભાવના પણ અપાર હતી. પરંતુ ધર્માનુરાગી એવા આ શૂરવીર માતા પોતાના સંતાનના career ની નહીં, એમના આત્મકલ્યાણની ખેવના કરવાવાળા હતા અને એમની આ પ્રેરણાને ઝીલી, એમના સુપુત્રી કિંજલદીદી 2016 ના વર્ષમાં પરમ ગુરુદેવના સાંનિધ્યે દીક્ષા અંગિકાર કરીને પરમ ૠષિતાજી મહાસતીજી બન્યા. સાથે જ, એમના નાના સંતાન ભવ્યભાઈ પણ પરમ ગુરુદેવના સાંનિધ્યમાં સમર્પિત થઈને અભ્યાસ કરવા લાગ્યા.
2017 માં નિશાબેનના સ્વજન શ્રી મનિષભાઈને અચાનક heart attack આવ્યો અને થોડીક જ ક્ષણોમાં એમની અણધારી વિદાય થઈ ગઈ. વર્ષોથી પ્રભુવાણીનો બોધ જેમણે આત્મસાત કર્યો હતો, એવાં નિશાબેન માટે આ ક્ષણ એક આત્મજાગૃતિની પળ બની ગઈ અને એમનો અંતર અવાજ પ્રગટ્યો કે, “પળ પછીનો પણ કોઈ ભરોસો નથી! જે સુખ સંપત્તિ મારા બંને સંતાનોએ ત્યાગી દીધી છે, શું હું એનો ભોગ કરીશ? શું હું એ વમન ચાટીશ?!” અને બસ, એમણે એક નિર્ણય કર્યો કે સંસારની તમામ જવાબદારી પૂર્ણ થઈ છે. હવે મારે મારું આત્મકલ્યાણ કરવા સંયમનો સ્વીકાર કરવો છે.
સંસારનું બધું જ setup windup કરીને તેમણે પોતાનું જીવન પરમ ગુરુદેવના સાંનિધ્યે સેવા અને વૈયાવચ્ચમાં સમર્પિત કરી દીધું. ગુરુ એ જ હોય જે શિષ્યની હર એક ઈચ્છા, હર એક અપેક્ષા અને હર એક આગ્રહ ભાવનું મૃત્યુ કરાવે. પરમ ગુરુદેવે પણ 4 વર્ષ સુધી અલગ અલગ કસોટી દ્વારા, આત્માનુશાસન દ્વારા એમનામાં રહેલા તમામ વૃતિઓ અને ઈચ્છાઓને શૂન્ય કરવાનો પુરુષાર્થ કર્યો.
ગુરુ અને ગુરુણિ પ્રત્યેની અડગ શ્રધ્ધા અને ધર્મનિષ્ઠાથી નિશાબેન તે સર્વ પરીક્ષાઓમાંથી પસાર થઈ, આજે સંયમની ભાવપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં છે.